આ પહેલા યુક્રેનને અનેક યૂરોપિયન દેશો તરફથી ૭૦ લડાકુ વિમાન મળવાના હતા, જેમાં મિગ-૨૯ અને સુખોઈ-૨૫ જેવા ફાઈટર જેટ પણ સામેલ હતા
કીવ,તા.૭
યુક્રેનમાં રશિયાએ મોટાપાયે તબાહી મચાવી છે. પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવેલા હથિયારોની મદદથી યુક્રેન રશિયા વિરુદ્ધ વળતો પ્રહાર કરી રહ્યું છે. યુક્રેનને અમેરિકા અને બ્રિટન પાસેથી સતત હથિયારો સપ્લાઈ થઈ રહ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, પોલેન્ડ અને અમેરિકા વચ્ચે યુક્રેનને મદદ પહોંચાડવા બાબતે એક ડીલ થઈ શકે છે. આ પહેલા જાણકારી સામે આવી હતી કે યુક્રેનને અનેક યૂરોપિયન દેશો તરફથી ૭૦ લડાકુ વિમાન મળવાના હતા, જેમાં મિગ-૨૯ અને સુખોઈ-૨૫ જેવા ફાઈટર જેટ પણ સામેલ હતા. અમેરિકન પ્રશાસનના એક સૂત્રએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે, પોલેન્ડ અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ શકે છે, જે અંતર્ગત પોલેન્ડ પોતાના જૂના મિગ-૨૯ ફાઈટર જેટ અને સુખોઈ-૨૫ અટેક એરક્રાફ્ટ યુક્રેનને આપી શકે છે, પરંતુ બદલામાં તેને અમેરિકા પાસેથી એફ-૧૬ લડાકુ વિમાન જોઈએ છે. ચાર અમેરિકન અધિકારીઓએ ર્ઁન્ૈં્ૈંર્ઝ્રંને જણાવ્યું કે અત્યારે આ બાબતે વાતચીત થઈ રહી છે. નોંધનીય છે કે શનિવારના રોજ ઝેલેન્સ્કીએ અમેરિકન કોંગ્રેસ પાસે સૈન્ય મદદ માંગી હતી. રિપોર્ટ અનુસાર, પોલેન્ડે ગત સપ્તાહમાં પોતાના લડાકુ વિમાન યુક્રેન મોકલવાની વાત કરી હતી. પરંતુ વરસૉએ વાઈટ હાઉસને પૂછ્યું છે કે, શું આ વિમાનોની કમી બાઈડન સરકાર અમેરિકન ફાઈટર જેટથી પૂરી કરશે? વાઈટ હાઉસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે તેઓ આના પર વિચાર કરશે.