ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ

113

રશિયાના ઓઈલની આયાત પર પ્રતિબંધની વિચારણા : ક્રૂડના અત્યારના ભાવને ધ્યાનમાં લેવાય તો ઓછામાં ઓછા ૧૫ રૂપિયા સુધી વધારો કરવો પડે તેમ છે
નવી દિલ્હી, તા.૭
અમેરિકા અને યુરોપીયન યુનિયનના દેશોએ રશિયાના ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરતા ઓઈલના ભાગમાં આજે આગ લાગી હતી. ક્રૂડ ઓઈલનો ભાવ આજે ૨૦૦૮ પછી સૌથી ઊંચા સ્તરે, એટલે કે ૧૪ વર્ષની ટોચ પર પહોંચ્યો હતો. ક્રૂડ ઓઈલના વધતા ભાવના કારણે ભારત જેવા ઇમર્જિંગ માર્કેટને જોરદાર ફટકો પડશે. એક તરફ રશિયાનું ઓઈલ બજારમાં આવતું બંધ થઈ જવાનું છે, બીજી તરફ ઈરાનના ઓઈલને બજારમાં આવવામાં વિલંબ થવાનો છે જેના કારણે માર્કેટમાં જોરદાર કડાકો આવ્યો છે. રશિયાએ અમેરિકા પાસે એવી ગેરંટી માંગી છે કે તેના પર જે પ્રતિબંધ ઝીંકવામાં આવે તેનાથી ઈરાન સાથેના વ્યવહારને અસર થવી ન જોઈએ. ત્યાર બાદ ઇરાન સાથે ન્યુક્લિયર ડીલ અંગે અનિશ્ચિતતા પેદા થઈ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ચીને પણ નવી ડિમાન્ડ કરી છે. આજે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૯.૯ ટકા અથવા ૧૧.૬૭ ડોલર વધીને ૧૨૯.૭૮ ડોલર પ્રતિ બેરલ થયો હતો. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડનો ભાવ ૧૦.૮૩ ડોલર અથવા ૯.૪ ટકા વધીને ૧૨૬.૫૧ ડોલર થયો હતો. તેના કારણે આ બંને કોન્ટ્રાક્ટમાં સૌથી ઊંચો ડેઈલી વધારો થયો હતો. આ પહેલાં રશિયન ઓઈલ સપ્લાય બંધ થવાની શક્યતા પેદા થતા જ બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને ૧૩૯ ડોલર પ્રતિ બેરલ થયો હતો જ્યારે ડબલ્યુટીઆઈનો ભાવ ૧૩૦.૫૦ ડોલર થયો હતો. બંને કોન્ટ્રાક્ટના ભાવ ૨૦૦૮માં સૌથી વધારે હતા જ્યારે બ્રેન્ટનો ભાવ ૧૪૭.૫૦ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈનો ભાવ ૧૪૭.૨૭ ડોલર પ્રતિ બેરલ હતો. ક્રૂડના ભાવમાં વધારાના કારણે ભારત જેવા ઉભરતા દેશોને સૌથી વધારે અસર થવાની શક્યતા છે. ભારતની ક્રૂડ ઇમ્પોર્ટ ૧૦૦ અબજ ડોલરને વટાવી જવાની શક્યતા હતી. વાસ્તવમાં ક્રૂડ ઇમ્પોર્ટનો ખર્ચ તેના કરતા પણ વધુ આવશે. આ સપ્તાહમાં જ ભારત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કરવાનું છે. ક્રૂડના અત્યારના ભાવને ધ્યાનમાં લેવામાં આવે તો ઓછામાં ઓછા ૧૫ રૂપિયા સુધી વધારો કરવો પડે તેમ છે.

Previous articleયુપીમાં યોગી સરકાર, પંજાબમાં આપનું ઝાડું ફરવાની શક્યતા
Next articleમાયાનગરી મુંબઈમાં વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં હલચલ શરૂ થઈ