” એક વિશ્વાસ કી પ્રાર્થના
અંધકાર કે સારે બંધનકો
તોડનેકી સામર્થ્ય રખતી હૈ.”….અનજાન.
ડૉ. શ્યામ અર્થશાસ્ત્ર વિભાગના ખ્યાતનામ અધિકારી. એમનું ખુદનું…. અર્થશાસ્ત્ર -વાણિજ્ય- વહીવટી આલમમાં ખૂબ માન. સાથે સાથે મોભાદાર હોદ્દા સાથે હાક તથા વટ પણ એટલો જ…..!
લગભગ આધેડ અવસ્થાએ, સંધ્યા સમયે, શહેરના પોશ એરિયા-વિસ્તારના એક ખૂણામાં શાકભાજી વેચતા માણસો લારી- લારીએ જઈને પૂછી રહ્યા છે. “આ ખૂણામાં લારી લઈ શાકભાજી વેચતી એક બહેન અને જમીન ઉપર અલગ-અલગ ઢગલીઓ કરી શાકભાજી વેચતાં એનાં નાનાં નાનાં બે બાળકોને મારે મળવું છે. ક્યાં મળશે ?” ખાસ્સી મથામણ પછી એક વૃધ્ધ માવડીએ કહ્યું, “સાહેબ !તેમનો સઘળો સામાન વેચાઈ જતાં હમણાં જ ઘેર ગયાં છે.તમારે તેમને મળવું જ હોય તો…………અહીંથી સીધા જ ભાવપુરાની ઝૂંપડપટ્ટીએ પહોંચી જાવ. રોડ ઉપર જ એમનુ ઝૂંપડું છે. ત્યાં મળશે.”
શ્યામ ગાડી લઇ ત્યાં પહોંચ્યા. ગરીબ પરિવાર. આગંતુકને જોઈ રાજી થઈ ગયો. અતિથિનું સ્ટેટસ અને ખુદની ઔકાત જોઈ બીજું તો શું કરી શકે ??, ભાવથી તેમને આવકાર આપ્યો. શ્યામે થોડી ઔપચારિક વાત પછી સીધા જ પોતાના આવવાનો હેતુ અને સંજોગની કથા આરંભી.
” બરાબર નવ મહિના અને લગભગ ૧૦ થી ૨૦ દિવસ પહેલાંની વાત છે. હું અને મારા પત્ની દિવાળી નિમિત્તે ખરીદી માટે નીકળ્યાં હતાં. મોટા મોટા મોલ અને બીગ બજારમાં એને ખરીદી કરાવવા લઇ ગયો હતો. પરંતુ તેણે મોટા ભાગની ખરીદી નાના દુકાનદારો અને ફેરિયાઓ પાસેથી જ કરી હતી.હું રઘવાયો હતો. અંતે ઘર તરફ વળતાં તમારી લારી ઉપર અમે આવ્યાં હતાં. થોડી શાકભાજી લારી ઉપરથી અને બાકીનું આ બંને છોકરાઓ પાસેથી હતું એટલું બધું જ શાક એણે ખરીદયું હતું. મારા ગુસ્સાનો પારો ખૂબ ઊંચે આવ્યો હતો. એક તો અમે બે જણ…….. અમારે ન કોઈ સંતાન કે ઘરમાં બીજું પણ કોઈ નહોતું. એવે સમયે અમારે એટલા શાકની ક્યાં જરૂર હતી ? અને હા! એથી પણ દીવા જેવી સત્ય વાત કે એ વખતે મને પણ, મારા હોદ્દાના લીધે મોલ અને મોટી દૂકાનો કરતાં લારી ઉપર શાકભાજી ખરીદીમાં થોડી શરમ પણ આવતી હતી ખરી !! પણ…………!” થોડા નિઃશ્વાસ સાથે, શ્વાસ રોકી, ફરી થોડા ઊંડા શ્વાસે આરામ લઈ વિવશ અવાજે, પણ ખૂબ ઉત્સાહ સાથે બોલ્યા. “હમણાં- અઠવાડિયા પહેલાં, મારે ઘેર ઘણા વર્ષો પછી દીકરાનો જન્મ થયો. તેની ખુશીમાં ઝડપથી ઘેર આવતાં, મને માર્ગમાં અકસ્માત નડેલ.પત્ની અને દીકરાને મળ્યા પહેલાં હું હોસ્પિટલમાં ભરતી થયેલ એ સમયે લોહીની તત્કાલ જરૂરત ઊભી થઈ હતી. એક આધેડ મદદે આવ્યા.કેવી રીતે એમને ખબર પડી એ પણ રહસ્યમય છે. એ આવ્યા. સંજોગ વસાત તેમનું લોહીનું ગૃપ (૦- ઓ નેગેટિવ) પણ મને મળતું આવ્યું. મને અઠવાડિયા બાદ હવે ઠીક છે.મારી પત્ની અને બાળક પણ તંદુરસ્ત છે. પણ હું એ વ્યક્તિનાં દર્શન કરવા માગું છું, કે જેમણે મને હોસ્પિટલમાં રક્તદાન કરી મદદ કરી હતી.આ હકીકત પણ મને હોસ્પિટલની નર્સે કહી હતી.તેણે કહ્યું હતું, કે આપણી હોસ્પિટલની સામેના ખૂણામાં બે છોકરાં સાથે શાકભાજી વેચવા બેસતી બહેનને પૂછજો. એ બતાવશે,તમારા રક્તદાદાને. એટલે આજે અહીં આવ્યો છું. શ્યામજી ગંભીર મુદ્રામાં હતા. બરાબર સમયની તક મળતાં,રાહ જોઈ રહેલ દીકરીએ કહ્યું,”બેનબાની તબિયત તો ઠીક છે ને !!?? ભગવાને પ્રાર્થના સાંભળી ખરી !! ” કહેતાં કહેતાં એની આંખમાંથી દડદડ આંસુંઓનાં મોતી ખરી પડ્યાં. થોડો શ્વાસ લઈ એ ફરીથી બોલી, ” લગભગ સવા -દોઢ વર્ષ પહેલાંની વાત છે. જન્માષ્ટમી ગાળાનો સમય હતો. કારમી ગરીબીમાં ગુજરાન ચલાવવા વગડામાં, ખરા બપોરે, એરું- સાપ જેવાં ઝેરી જીવજંતુના ડર વચ્ચે, અમે ભાઈ-બહેન કંકોડાં વીંણવા નીકળ્યાં હતાં.એ જ વિસ્તારમાં રસ્તા ઉપરની ટેકરી ઉપર દરેકની આસ્થપૂર્ણ કરનાર માતાજીનું એક મંદિર છે. એનાં દર્શન કરવા બહેને આપ પાસે માગણી કરી હતી.આપ એ વખતે કોઈ કારણસર સહમત નહોતા. ઘણી મથામણ પછી આપ માન્યા.પણ મંદિર બંધ. દર્શન ન થયાં. નિરાશ વદને નીચે ઉતર્યાં. આપ થોડા ગુસ્સામાં આગળ હતા. બહેનબાએ હાથમાંની, મંદિરમાં નાખવાની નોટ મારા હાથમાં આપી મને કહ્યું,” આજ દર્શન ન થયાં.જેવા વિધિના લેખ.પણ આ રકમ સારા કામે વાપરજે. મને સારા આશીર્વાદ મળશે જ. શેર માટેની માગણી માટે આવી હતી. પણ………” અમે ભાઈ- બહેન ઘેર આવ્યાં. મારા પિતા એક તો દિવ્યાંગ,વળી પાછા બિમાર હતા. મમ્મી પણ.અમે ત્રણ ટંકથી ભૂખ્યા હતાં. સદ્નસીબે એ પૈસાથી ખરીદી કરી, મમ્મીએ રાબ બનાવી આપી. જમ્યા પછી એમનું હૃદય બોલી ઉઠ્યું. “હે ભગવાન ! અમારી આંતરડી ઠારી છે એમનું પેટ ઠારજે.”
શ્યામે બે હાથ જોડી વંદન કર્યા.પછી દીકરાએ શ્યામનું ધ્યાન ખેંચાય તેમ કહ્યું,” શેઠ ! પપ્પા અપાહિજ છે, મમ્મી ગમે તેમ તોય નારી.એકલી શું કરી શકે ? એટલે અમોએ કુમળી વયે પણ એની મદદ માટે, કોઈની રહેમ નજર પડે તેમ સમજી મદદથી આવ્યાં. સહાનુભૂતિથી થોડું કામ થતું પણ હતું. એ દિવસે અમારી ઢગલી ખરીદ્યાના ત્રીજા દિવસથી અમારા ઘેર, નજીકના એક ઢાબાવાળો અમારું બધું જ શાકભાજી ખરીદે છે. સામે વળતરમાં દરરોજ બપોરે ત્રણ ટિફિન નિયમિત આપી જાય છે.ઉપરાંત દર પંદર દિવસે અમને થોડી રકમ પણ નિયમિત મળે છે. ઘર ખુશ છે.અમે કહ્યું કે આમ કરવાનું કારણ ? કોની દયાથી આ બધું થયું હજી ખબર પડતી નથી. હા ! એણે એટલો સંકેત આપેલ કે કોઈ હ્દયે રામ વસેલ દેવીની તમારા ઉપર રહેમ નજર છે.બસ આટલું….!મ સામે ડ્રાઇવર સઘળા રહસ્યનો જાણે સાક્ષી હોય તેમ, દૂર બેઠાં-બેઠાં ટમટમતા તારલાની જેમ, મંદ મંદ હાસ્ય ફરકાવતો અને જાણે એ દેવીને મનોમન જોતો હોય તેમ, મૂછમાં હસી રહ્યો હોય તેમ હોઠ મલકાવતો ખુશ થતો દેખાય હતો. એમાં પણ કંઈક સદ્ રહસ્ય છુપાયેલું હોય તેવું લાગ્યું.પણ ભગવાન જાણે!!ૠ હવે સમય મળે છે એટલે અમ બંનેને ભણવામાં વધુ સમય મળતાં આનંદ આવે છે. બેન અને હું વર્ગમાં પ્રથમ આવ્યાં છીએ. પપ્પાને પણ હવે નિયમિત ખોરાક મળતાં તબિયત ઘણી સારી રહે છે. તેમનું લોહી કેવું છે ? કયા પ્રકારનું છે ? અમને શું ખબર ?? પણ હોસ્પિટલ વાળાઓને જરૂર ખબર છે કે આ ગૃપનું લોહી ભાગ્યે જ મળે.અને બધાને કામ લાગે છે. હમણાં હમણાં આ ત્રીજી વખત એમણે લોહી આપ્યું. આ બેઠા છે એ જ મારા પપ્પા !
દર્દીના સગા પૈસાનો ઘણો આગ્રહ કરે છે પણ…. તેઓ એક પૈસો પણ હાથમાં લેતા નથી અને ઉપરથી કહે છે ઉપરવાળો હિસાબ લખશે.જેવા વિધિના લેખ.”
શ્યામનું હૃદય સમગ્ર ઘટનાને ચકરાવે ચડ્યું. વિચારોના ઘોડા દોડી વળ્યા. તૂટમૂટ ખાટલીમાં દિગ્મૂઢસ્થિતિમાં ખોવાયા.ત્યાં ગાડી ડ્રાઇવરે કહ્યું, “શેઠજી !હજી ગણપતદાદા ગોરભા- જ્યોતિષીના ઘેર જઈ બાબાનું નામકરણ જાણીને ઘેર જતાં વાર લાગશે. ઝડપ કરો.” શ્યામ સફાળો જાગીને, પ્રથમ “હેં” ?? પછી ડ્રાઈવરને કહે છે.” મંગળ! હવે ત્યાં જવાની જરૂર નથી. તારા શેઠાણીએ બાળકના જન્મતાં વેંત બાબાનું નામ પાડી દીધું છે…. લેખ. જેવા વિધિના લેખ. સાચું અર્થશાસ્ત્ર કોણ ભણ્યું છે એ પણ વિધિના લેખ જાણે !!.તેઓ ઊભા થયા. ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળતાં પહેલાં તેમણે ઉપર આકાશ તરફ એક નજર દોડાવી. પછી ધીમેથી એમના હૃદયનો એક રણકાર બહાર નીકળ્યો. ” હે જગતના અર્થશાસ્ત્રી !!તારા અર્થશાસ્ત્રને સમજવા મારું પીએચડીનું ભણતર પણ ટૂંકું પડ્યું. ધન્ય તને !!
શ્રી શ્યામજીભાઈ દેસાઈ
પૂર્વ શિક્ષક સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી જીલ્લો મહેસાણા
૯૪ ૨૭૪ ૭૧૯૯૧.