ગન લઇ ફાયરિંગ કરનાર મંત્રી પુત્રનો વિડીયો વાયરલ થયા બાદ આર.સી. મકવાણો કર્યો પુત્રનો બચાવ
ગઈ કાલ સાંજથી સોશિયલ મિડીયાના ચૌટે ચર્ચાનો વિષય બનેલ મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા ના પુત્ર અમિતે એક ગનમાંથી હવામાં કરેલ ફાયરીંગના મુદ્દાને મંત્રી મકવાણાએ બાળ રમતમાં ગણાવી છે…! ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી આર.સી મકવાણાના પુત્ર અમિત મકવાણાએ હાથમાં ગન રાખી હવામાં ફાયરીંગ કરતો પાંચ સેકન્ડનો વિડિયો સોશ્યિલ મિડિયામાં જોરશોરથી વાઈરલ થયો હતો અને આ મુદ્દે લોકો પોતાની કોમેન્ટ પણ આપી રહ્યાં છે ત્યારે ચર્ચા એવી ચાલી રહી હતી કે મંત્રી પુત્ર અમિતે પિતાના સિક્યુરિટી ગાર્ડની ગનમાંથી હવામાં ફાયરીંગ કરતો વિડિયો ઉતરાવી વાઈરલ કર્યો હતો. જે બાબત સોશિયલ મિડીયા સાથે સમાચાર માધ્યમોમાં પણ છવાઈ અને મંત્રીને આ મામલે જવાબ આપવો અઘરો થઈ ગયો. પુત્રનો મૂળ મનસૂબો “રોલા” પાડવાની બાબતમાં મંત્રી મકવાણાએ મિડિયા સમક્ષ ખુલાસો કરતા કહેવું પડ્યુ હતું કે આ તો બજારમાં ત્રણ હજાર રૂપીયામાં મળતી પ્લાસ્ટિકની ગન છે જેમાં અવાજ પણ થાય અને ભડકો પણ દેખાય છે. વિડીયો વાયરલ થતા જ્યારે મહુવા પોલીસને મિડીયાએ ઢંઢોળી વિડિયો અંગે ખુલાસો માંગ્યો હતો ત્યારે પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ હોવાનું જૂનું ગાણું ગાયું હતું પરંતુઆ વાત-વિવાદ ઘેરો બનતા ના છુટકે મંત્રી મકવાણાને પટમાં ઉતરવું પડ્યું છે અને તેમણે નિવેદન આપ્યું છે કે છોકરાઓ રમકડાની ગન થી રમતાં હતા…! મંત્રીના પુત્ર આ ઉંમરે પ્લાસ્ટિકની ગન લઈ ભડાકા કરે તે વાત શંકા કુશંકા સાથે લોકોમાં ચર્ચાનો મુદ્દો બની છે.