વેફર પર સેનેટાઈઝર છાટી તેને આરોગી ખુદના સેમ્પલથી નેગેટીવ કોરોના રીપોર્ટ કરનાર પરોપકારી પર આફત!!!

59

“રાજુ સેનેટાઇઝરના ઉપયોગ બતાવ” મેં રાજુ રદીને ધૂડી નિશાળના માસ્તર ( બોલચાલની ભાષામાં પંતુજી! શિક્ષક સમુદાયની ક્ષમાપના-ક્ષમાયાચના!!)
“ ગિરધરભાઇ. હાથ ધોવા માટે!!” પરીક્ષામાં ગોખેલો જવાબ લખવાનો ઉત્સાહ રાજુ રદીએ દેખાડીને જવાબ આપ્યો!!
“ રાજુ . કોરોના પહેલા પણ હસ્તપ્રક્ષાલનનો આપણે ત્યાં પરંપરાગત અને પ્રણાવિકાગત રિવાજ- કસ્ટમ છે, એ પહેલાં શું કરતા હતા?” મેં સવાલ ટવિસ્ટ કર્યો.
“ ગિરધરભાઇ. દેશની સોના જેવી માટીથી હાથ ધોવાતા હતા, ધોવાય છે અને ધોવાતા રહેશે. કેટલાક લોકો આજે પણ પાવડરની ભૂકકી, સાબુની ચપતરી, બાજરાનો લોટ વાપરે છે. ઘણા લોકો લાઇફબોયનો ઘેરા લાલ રંગનો ગોટો ઘસે રાખે છે કે લિકવિડ શોપ શોપ વાપરે છે. વરસો પહેલાં ઓકે બ્રાંડનો નાહવાનો સાબુ આવતો હતો. તે ન વૈચાયો એટલે ઓકે કપડાં ધોવાનો સાબુ બહાર પાડેલો!! કોરોનાના કારણે સેનેટાઈઝર શબ્દ ખોટા સિક્કાની માફક બજારમાં ફરતો થયો.” રાજુએ મને લાંબી દાંસ્તાન કહી!!
“ રાજુ. સેનેટાઈઝર એટલે હાથ સાફ કરવાનું પ્રવાહી કે જેલ.તેને ડિસઇન્ફેકટન્ટ રહેવાય છેં જે હવાજન્ય માઇક્રો બાયોલોજીકલ ઓર્ગેનીઝમ કે માઇક્રોઓરગેનીઝમ જેવા કે બેકટેરિયા, વાઇરસ, ફૂગ પર કામ કરે છે.આલ્કોહોલ બેઇઝડ સેનેટાઈઝર હાથ ધોવા કે સાફ કરવા માટે વાપરવાનાં આવે છે. ડેટોલ લિકવિડની બોટલોમાં કોરોના પહેલા કોરોના માટે અસરકારક હોવાનો દાવો કરેલ હતો. એક સિરિયલમાં કોરોનાનો રોગચાળો ફાટી નીકળશે તેવું દેખાડેલ હતું.” મેં રાજુને કહ્યું.
“ ગિરધરભાઇ.કોરોનાને રોકવાની કોઇ અસરકારક દવા નથી. વેકસિનના બે ડોઝ લેનાર પણ કોરોનાની ઝપટે ચડી જાય છે. લાલા કામદેવની કોરોનિલમાં નામ બજેટ ઔર દર્શન ખોટે છે એમ માસ્ટર ભગવાનની જેમ કહી શકાય.આમ, કોરાનાની સારવાર માટે બહુ ગવાયેલ પ્લાઝમા થિયેરી હોય કે રેમિડેસિવર કે જીભનો લવો ન વળે તેવા ઇન્જેકશનો રામબાણ સાબિત થયેલ નથી. પ્રજ્ઞાચક્ષુઓ હાથીનું વર્ણન કરે તેવી હાલત કોરોનાનો સામનો કરવા માટે સક્ષમ નથી.આ બધામાં એક ભેજાબાજે કોરાના માટે મૌલિક અને અભિનવ શોધ કરી છે.!!” રાજુએ કહ્યું.
“ રાજુ.એ નરપુંગવ લેબોરેટરી ક્ષેત્રનો ઝળહળતો ટવિંકલ ટવિંકલ રાઇઝિંગ સ્ટાર છે. જેના ડોન કવિઝોટ કરિશ્માઇ કારનામાથી અનેક વિદેશગમન ઇચ્છુકના ખ્વાબ અને અરમાન સાકાર કર્યા છે. એના માટે પોતાના શરીર પર જાત પર અખતરા કે સફળ પ્રયોગ કર્યા!! જે લોકો કોરોના ટેસ્ટ કરાવ્યા આવ્યા તેની પાસેથી સિંગચણા જેવી છસો રૂપરડી વસૂલ કરી ખુદના શરીર પર અત્યાચાર કર્યા. આવા સાધુચરિત સંત પ્રકૃતિ પરોપકારી સેવાભાવી સમાજસેવીના પરાક્રમો સાંભળીને તમારું હિમાલય જેવું કઠોરતમ હ્‌દય મીણબત્તીની જેમ પીગળી જશે!!એ પવિત્ર આત્માએ વેફર પર સેનેટાઈઝરનો છંટકાવ કરી તેનું પ્રાશન કરી પોતાના સેમ્પલ આપી વિદેશાગમન ઉત્સુકને કોરોના નેગેટીવનું પ્રમાણપત્ર ઇસ્યું કર્યું . આ સેવા કરનાર સેવક ધન્ય છે. પુનિત વડોદરા નગરી ધન્ય ધન્ય છે. જેમ અત્રી ઋુષિએ દૈત્યો સામે દેવોને લડવા માટે વ્રજા્‌ત્ર બનાવવા ખુદના હાડકા આપેલા હતા તેમ આ સપુતે પોતાના સેમ્પલના દાન કર્યા.” મેં વીરસપૂતની કથાનું પઠન કર્યું.
કહે છે કે સત્ય,સજ્જનો , સોનાની જ આકરી કસોટી થાય છે. સોનું આગમાં તપીને કુંદન થાય છે. સમાજને તમામ પ્રકારે ઉપયોગી અભિયાન મોટુંવૃક્ષ થાય તેનો બધાને લાભ મળે તે પહેલાં વિધ્નસંતોષી વૃતાંત નિવેદકે સ્ટિંગ ઓપરેશન કરીને સેવાભાવી સજ્જનને પકડાવ્યાનું કામ કર્યું છે!! કોણ જાણે સેવાની સરવાણી ફરી ક્યારે શરૂં થશે?
-ભરત વૈષ્ણવ

Previous articleએબી ડિવિલિયર્સ બનશે આરસીબીના મેન્ટર, નવી સિઝનમાં ફાફ ડુપ્લેસીસ બની શકે છે ટીમનો કેપ્ટન!
Next articleકઢાપો