મારા કરમ સાવ ફૂટેલા તે તમને વરી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
કેટલાય માંગા ઠુકરાવીને તમને વરી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
બીજી વીસનોરી ભટકાઈ હોત તો મારી કિંમત સમજાઈ હોત ,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમને ઊંઘતા મેલી ને કોઈ જોડે ભાગુ તો સમજ પડશે,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
મારો ભવ બગાડ્યો હવે બીજો ભવ ન બગાડતાં
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
કોથમીર કે મેથીની ભાજીમાં ખબર પડે નહી.
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો,
લીલા લસણ ને લીલી ડુંગળીમાં ખબર પડે નહી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમારા કે તમારા છોકરામાં ના કોઈ શકકરવાર,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમારા કે તમારા મા-બાપમાં કોઈ બુધવારો મળે નહીં,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
એકનંબરી રૂપિયા વધે નહી ને બેનંબરી મળે નહી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
પાડોશીઓ જે.સી.બી.થી રૂપિયા ઊસેડયા કરે,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમે તાવેથો લઈ પૈસા ઊખાડવા રાતદિન મથો,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
પાડોશીઓ રોકેટ ગતિએ તમે બળદગાડા ગતિએ,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
ખાવા ,પીવા કે મોબાઈલ મચડવા સિવાય કોઈ રસ નહી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમને ભૈ’સાબ ચૈત્ર ચડે નહી ને વૈશાખ ઊતરે નહી,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
કેવું ટાઢું માટલું છો? મારા કકળાટથી પેટનું પાણી હલે નહીં ,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમારી મારે શી આશા તમે બાળોતિયાના બળેલ ,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
પાડોશીઓ કેવી કાળી મજૂરી કરે તેનું ભાન નથી
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
તમારું ઘર નરસૈયા જેવું ને તેમનું કૃષ્ણના મહેલ જેવું,
તમને કાંઈ ખબર પડે નહી ડબડબ ન કરો.
-ભરત વૈષ્ણવ