સંસ્થા દ્વારા કાર્યક્રમો થકી સમાજમાં કિડની જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા
ભાવનગરમાં ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા કિડની જાગૃતિ રેલી તથા પોસ્ટર પ્રર્દશન અને ચિત્ર સ્પર્ધા યોજી સમાજમાં કિડની જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં કિડની અને તેના રોગો પ્રત્યે અને અંગદાન જાગૃતિ માટે છેલ્લા 21 વર્ષથી ભાવનગર સહિત ગુજરાતમાં કાર્ય કરી રહ્યુ છે.
સમાજમાં કિડનીના રોગો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે અને કિડનીના દર્દીઓમાં હાલ નાની ઉંમર વાળા વ્યકતિઓ આ કિડનીના રોગના ભોગ બની રહ્યા છે. તેથી આવા રોગો સમાજમા ન થાય અને કિડનીના રોગોથી બચી શકે તે હેતુથી ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ગુજરાતભરમાં કિડની જાગૃતિ તથા કિડનીને લગતા ટેસ્ટ તથા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ વિના મુલ્યે કરી લોકોમાં કિડની વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, ત્રિલોક પરીખના નેત્રુત્વ હેઠળ અને જયેશ પટેલના માર્ગદશન દ્વારા સંસ્થા કાર્ય કરી રહી છે. ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 400 થી વધારે કિડનીના દર્દીઓને દવા તથા ડાયાલાઈઝર તેમજ અનાજ વિતરણની મદદ કરવામાં આવી રહી છે. ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં જરૂરીયાતમંદ કિડનીના રોગથી પિડાઈ નહી તે હેતુ થી કિડની જાગૃતિ કેમ્પ અને લેબોરેટરી તપાસના કેમ્પમાં અત્યાર સુધિમાં 25000 થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. વિશ્વ કિડની દિવસના ભાગ રૂપે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોથી બચવા માટે જરૂરી કાળજી તથા કિડની વિશે માહિતગાર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ભાવનગરનાં જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. નિલવ શાહ દ્વારા રોગો અંગે માહિતગાર કરવામાં આવશે. આ સેમિનારમાં સૌપ્રથમ 100 વ્યક્તિઓને વિનામુલ્યે કિડનીના રોગોની તપાસ કરી આપવામાં આવશે.