ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝે બહુવિધ પરિવહન સુવિધાના લાભ અંગે સેમિનારનું આયોજન કર્યુ

292

ભાવનગરના મેયર, કલેક્ટર, ડીઆરએમ અને અલંગના ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગર શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાના ઉદ્યોગકારોને એકમંચ પર એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાવનગરમાં બહુવિધ પરિવહન સુવિધાની ઉભી થયેલી અને થઇ રહેલી સુવિધાઓનો ઉપયોગ કરી પરિવહન કોસ્ટ ઘટાડી વૈશ્વિક ફલક પર પોતાના માલસામાનને પહોચાડવા અંગેની જાણકારી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાવનગરની ઇસ્કોન ક્લબ ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં રોડ માર્ગ-રેલ્વે માર્ગ અને દરિયાઈ માર્ગની પરિવહન સુવિધામાં વધુને વધુ સુવિધાનો ઉમેરો કરી સરળ અને સસ્તી પરિવહન સેવાનો માર્ગ અપનાવવાના ઉદેશ્ય સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મલ્ટી મોડેલ લોજીસ્ટિક ફોર ભાવનગરના શીર્ષક હેઠળ યોજાયેલા સેમિનારમાં ભાવનગરના મેયર, કલેક્ટર, ડીઆરએમ અને અલંગના ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે ભાવનગરમાં કનેક્ટિવિટીની વાત આવે ત્યારે સહજ પેસેન્જર અંગેની જ વાત કરવામાં આવતી હોય છે. પરંતુ ભાવનગરમાં અલંગ ઉદ્યોગ-મીઠા ઉદ્યોગ-ડુંગળીનું એક્સપોર્ટ-વિવિધ કંપનીઓ દ્વારા દેશ અને વિદેશમાં સપ્લાય કરવામાં આવતી પોતાની પ્રોડક્ટને વૈશ્વિક ફલક પર લઇ જવા તેના પરિવહન ખર્ચમાં ઘટાડો થાય તે જરૂરી છે. કોઈપણ પ્રોડક્ટના ઉત્પાદન ખર્ચ બાદ તેના પરિવહન ખર્ચ જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત હોય ત્યારે જેમાં અહીંથી મોકલવામાં આવતું કોઈપણ કન્સાઈમેન્ટ રોડ-રેલ્વે કે દરિયાઈ માર્ગે મોકલવામાં આવે છે ત્યારે તેમાં 13% જેટલી મટીરીયલની કિંમત જેટલો ખર્ચ પરિવહનમાં થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ભાવનગરથી રોડ કનેક્ટિવિટી જેમાં ભાવનગરથી અમદાવાદ-બરોડા અને રાજકોટ તરફના રોડ માર્ગની સુવિધા અતિ સરળ બની છે. તેમજ નવા બનેલા સારા હાઈવેને લઇ 3 કલાક આજુબાજુના સમયમાં પરિવહન કરી શકે છે. જ્યારે દરિયાઈ માર્ગની સુવિધા વધારવા સરકાર પણ કટિબદ્ધ બની છે. તેમજ રેલ્વેમાં બ્રોડગેજ લાઈનોની કામગીરી પણ પૂર્ણ થઇ જતા હવે માલગાડીઓ દ્વારા પણ ઝડપી પરિવહન સરળ બની શકે તેમ છે. ત્યારે જો ભાવનગર આજુબાજુના જીલ્લાના ઉદ્યોગપતિઓ આ પરિવહન ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરે તો ઝડપી પરિવહનની સાથે સસ્તું પરિવહન પણ શક્ય બની શકે છે. ઉપરાંત પરિવહન ખર્ચ 13 ટકા માંથી 5 ટકા પર લાવી વૈશ્વિક હરીફાઈમાં પોતાની જગ્યા બનાવી શકશે.

Previous articleભાવનગરની શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સોફ્ટવેરની કૃતિમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
Next articleભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરાય