૧૪૦૦ કરતાં વધુ સગર્ભા બહેનોની મેડિકલ તપાસ લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવ્યું અને ગંભીર પાડું રોગ ધરાવતા સગર્ભા બહેનોને આયર્ન સુક્રોઝના ઇજેક્શન આપવામાં આવ્યાં
સુરક્ષિત અને સશક્ત બાળક માટે સુરક્ષિત માતૃત્વ પણ એટલું જ અગત્યનું છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરીને સ્વસ્થ અને તંદુરસ્ત માતા માટેના આરોગ્યલક્ષી પગલાઓ ઉઠાવવામાં આવે છે. માતા જેટલી આરોગ્યપ્રદ અને સુરક્ષિત હશે તેટલું જ બાળક સશક્ત, તંદુરસ્ત અને મજબૂત હશે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લાની જોખમી કક્ષામાં આવતી માતાઓની આરોગ્યલક્ષી ચકાસણી, તપાસ અને નિદાન કરીને જરૂરી દવાઓ સાથે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત આજે ભાવનગર જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય.કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જીલ્લા હોસ્પિટલ ખાતે ’પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’(PMSMA)ની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ૧૪૦૦ કરતાં વધુ સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ, લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આયર્ન અને કેલ્શીયમની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ અનેક સગર્ભા બહેનોને પ્રોટીન પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં તમામ સગર્ભા, ધાત્રી માતાઓ અને જોખમી માતાઓનું સ્ક્રિનિંગ થાય અને તેમને ઉત્તમ સારવાર મળે તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.કે. તાવિયાડના સઘન પ્રયત્નો હેઠળ જીલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડૉ.પી.વી. રેવરના માર્ગદર્શન હેઠળ ડૉ ધવલ દવે દ્વારા સંકલન કરી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની આ ઉજવણી કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અભિયાનને સફળ બનાવવામાં તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને મેડિકલ ઓફીસરશ્રી, તાલુકા હેલ્થ વિઝીટર, ફિમેલ હેલ્થ સુપર વાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર, આશા અને આશા ફેસીલીટેટરોએ ભારે જહેમત ઉઠાવી હતી.