ગઇકાલે સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓને તેમણે સમાજના ઉત્થાન માટે સરાહના કરી સન્માનીત કરવામાં આવી હતી. આ જ કડીમાં ભાવનગર ખાતે ગધેડિયા મેદાન ખાતે આવેલ ગરીબ અને અભણ માતાપિતાના બાળકોને રોડ સાઇડ સ્કૂલ દ્વારા અભ્યાસ સાથે સંસ્કારોથી શણગારતાં ભાવનગરના ગૃહીણીશ્રી પ્રયાબા જાડેજાનું ભાવનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહિલા સન્માનમાં ગઇકાલે યોજાયેલાં કાર્યક્રમમાં સન્માનિત કરી તેમના કામની સરાહના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રીમતી પ્રીયાબા જાડેજાએ કોરોનાકાળમાં પણ તેમની આ શાળા ચાલું રાખીને ગરીબ અને શિક્ષણથી વંચિત એવાં બાળકોના શિક્ષણને અટકવાં દીધું ન હતું. તેઓ ન માત્ર શિક્ષણ આપે છે પરંતુ અકિંચન એવાં આ બાળકોને પેન- પાટી સાથે કપડાં અને નાસ્તો પણ સ્વ ખર્ચે પુરો પાડે છે. તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે ભાવનગર બહારનો પ્રવાસ કરાવે છે. તો તેમના મનોરંજન માટે સિનેમા જોવાં પણ લઇ જાય છે.આમપણ ભાવનગર એ ગીજુભાઇ બધેકાના સમયથી બાળ કેળવણીનું કેન્દ્ર રહ્યું છે ત્યારે શ્રીમતી પ્રિયાબા જાડેજાનું થયેલ સન્માન એ શિક્ષણ સાથે સંસ્કાર અને મહિલાની શક્તિ – સામર્થ્યનું સન્માન છે. એક મહિલાના કામનું થયેલું આ સન્માન અન્ય મહિલાઓના માર્ગને પણ પ્રશસ્થ કર્યો છે.