ગોવા, તા.૧૦
ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર રાહુલ ચહરે પોતાની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ ઈશાની જૌહર સાથે ગૂપચૂપ રીતે લગ્ન કરી લીધા છે. રાહુલ ચહર અને તેની ગર્લફ્રેન્ડ ઈશાની જૌહરે ગોવામાં શાનદાર વેડિંગના પ્લાનિંગ સાથે સાત ફેરા લીધા છે. રાહુલ ચહર અને ઈશાની જૌહરની વર્ષ ૨૦૧૯ માં સગાઈ થઈ હતી અને ૯ માર્ચ ૨૦૨૨ ના રોજ બંનેએ લગ્ન કર્યા છે. રાહુલ ચહરની પત્ની ઈશાની જૌહર એક ફેશન ડિઝાઈનર છે. લાંબા વર્ષોથી બંને ડેટ કરી રહ્યા હતા.ત્યારે એવુ પણ જાણવા મળ્યુ છે કે, લગ્નનું રિસેપ્શન ૧૨ માર્ચના રોજ યોજાશે. કહેવાય છે કે, રાહુલ ચહરના વેડિંગ રિસેપ્શનમાં તેના કઝીન ભાઈ ક્રિકેટર દીપક ચહર, શિવમ શામી પણ સામેલ રહેશે. ૧૨ માર્ચના રોજ આગ્રાની ફાઈવ સ્ટાર હોટમાં રિસ્પેશન યોજાશે. જેમાં અનેક દિગ્ગજ ક્રિકેટર્સ આવે તેવી શક્યતા છે. રાહુલ ચહર અને ઈશાની જૌહરે એકબીજાને સમુદ્રના કિનારે ગોવાની એક હોટલમાં વરમાળા પહેરાવી હતી. તેના બાદ ફેરા તથા અન્ય વિધિઓ થઈ હતી. રાહુલ ચહરે ક્રીમ કલરની એમ્બ્રોઈડરી વર્કની શેરવાની પહેરી હતી. સાથે જ સાફો પણ બાંધ્યો હતો. તો ઈશાનીએ ટરકોઈઝ કલરનો લહેંગો ચોલી પહેરી હતી. ૨૨ વર્ષીય રાહુલ ચહર ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર છે. જે ભારત માટે કુલ ૬ ટી૨૦ રમી ચૂક્યા છે. જેમાં તેમણે ૭ વિકેટ મેળવી છે. તેમણે ૨૦૨૧ માં શ્રીલંકાની સામે પોતની એકમાત્ર વનડે મેચ રમી હતી. જેમાં તેમણે ૩ વિકેટ લીધી હતી.