ગુલામનબી આઝાદના ઘરે G-23 નેતાની બેઠકનાં સંકેત

58

પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર : કોંગ્રેસ પાર્ટી જે રીતે નીચે પડી રહી છે તેનાથી પરેશાન G-23 નેતાઓએ આગામી ૪૮ કલાકમાં બેઠક બોલાવી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૧
મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ૫ રાજ્યોમાં મળેલા આકરા પરાજયના કારણે કોંગ્રેસના ૨૩ નેતાઓનું જૂથ એટલે કે, G-23 હવે એક બેઠક યોજવા જઈ રહ્યું છે જે આગામી ૪૮ કલાકની અંદર જ મળશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ પોતાનું નામ ન બતાવવાની શરતે આ બેઠક અંગે જાણકારી આપી હતી. મે ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્રની સત્તા સંભાળી હતી ત્યારે કોંગ્રેસના પદચિન્હ ૯માંથી માત્ર ૨ રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં સમેટાઈ ગયા હતા. ત્યારે કોંગ્રેસ હવે ફરી એક વખત વિશ્વસનીયતા અને નેતૃત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે. પાર્ટીએ વર્ષ ૨૦૧૪ બાદ યોજાયેલી ૪૫ ચૂંટણીઓમાંથી માત્ર ૫માં વિજય મેળવ્યો છે. આ વખતે પરિણામો પહેલાથી જ સૌને કોંગ્રેસમાં આંતરિક ઉથલ-પાથલનો આભાસ હતો. ત્યારે હવે ૫ રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં બગાવતના સૂર ઉઠવા લાગ્યા છે અને ગુલામ નબી આઝાદના ઘરે G-23 નેતાઓની બેઠક યોજાશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અને પાર્ટી જે રીતે નીચે પડી રહી છે તેનાથી પરેશાન G-23 નેતાઓએ આગામી ૪૮ કલાકમાં બેઠક બોલાવી છે.

Previous articleકેન્દ્રીય કર્મચારીઓનું DA ત્રણ ટકા સુધી વધી શકે છે
Next articleભાવનગરમાં લોક અદાલત યોજાઈ, છેલ્લા 20 વર્ષથી અદાલતમાં ચાલતા ત્રણ કેસનો સુખદ ઉકેલ આવ્યો