ભાવનગરમાં લોક અદાલત યોજાઈ, છેલ્લા 20 વર્ષથી અદાલતમાં ચાલતા ત્રણ કેસનો સુખદ ઉકેલ આવ્યો

129

પક્ષકારો વિવાદોનો ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે તે જ લોક અદાલતનો મુખ્ય ઉદેશઃ ડિસ્ટ્રીક્ટ જજ
ભાવનગરમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. ત્યારે છેલ્લા 20 વર્ષથી અદાલતમાં ચાલતા 3 જેટલા કેસોનો આજે લોક અદાલતમાં ઉકેલ આવ્યો છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભાવનગર દ્વારા આજરોજ ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનીયર, જૂનીયર અદાલતોમાં તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોના કેસો સંદર્ભે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું દિપપ્રાગટ્ય ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના એડિશનલ સેસન્સ જજ એ.બી. ભોજક, એડિશનલ સેસન્સ જજ, વકીલ સહિતના સિનીયર અને જૂનીયર ન્યાયમૂર્તિઓ તેમજ ભાવનગર જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારી સહિતના સરકારી વકીલો તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી અદાલતમાં ચાલતા 3 જેટલા કેસોનો આજે લોક અદાલતમાં ઉકેલ આવ્યો છે તે આવકાર્ય બાબત છે. લોકો માટેની અદાલત એટલે લોક અદાલત. લોકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે છે, કાયમી તકરારનું સાથે બેસી નિવારણ આવે છે. લગ્ન વિષયક કેટલાક કેસોનો પણ સુખદ ઉકેલ આવે છે. વધુમાં જણાવ્યું કે, વાહન અકસ્માતોના કેસો પણ લાંબો સમય સુધી ચાલે છે પણ લોક અદાલતમાં આવા કેસો આવતા તાત્કાલીક વાહન અકસ્માતમાં અરજદારને ન્યાય મળે છે. સમય અને પૈસાની બચત થાય છે અને તકરારનો કાયમી ઉકેલ આવે છે. કેટલાક કેસોમાં કોઇપણ તરફે ચુકાદો આવ્યો હોય તો તે ઉપલી કોર્ટમાં જાય છે અને ફરી સમય અને ખર્ચ થાય છે પરંતુ લોક અદાલતમાં સમાધાનથી આવેલો ઉકેલ કાયમી ઉકેલ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોક અદાલતનો જન્મ તો ગુજરાત રાજ્યમાંથી થયો છે તેથી તેને સાચવી રાખવી અને અવાર-નવાર લોક અદાલતો યોજાય, લોકોના પ્રશ્નોનો ઉકેલ આવે અને લોકોને ન્યાય મળે તેજ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ અને મહત્વ છે. જોગાનુજોગ આજે શનિવાર એટલે હનુમાનજી દાદાનો દિવસ ઉપરાંત આજે ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીનો જન્મદિવસ પણ હતો અને સાથોસાથ જિલ્લા રાષ્ટ્રીય લોક અદાલતનું પણ આજે આયોજન થયું હતું. આમ ત્રિવેણી સંગમ થયો હતો. આજે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર, દિવાની, ફોજદારી, પીજીવીસીએલ, નેગોશીયેબલ એક્ટ, મોટર અકસ્માત વળતર, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો, લેબર કોર્ટના કેસો વિગેરેનો સમાધાન કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો.

Previous articleગુલામનબી આઝાદના ઘરે G-23 નેતાની બેઠકનાં સંકેત
Next articleભાવનગરમાં ‘હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનો કાર્યક્રમ યોજાયો