ઉનાળાની ઋતુ આગમનની છડી પોકારે છે. ત્યારે દેશી ફ્રીઝ ગણાતા માટલા બનાવવામાં પ્રજાપતી ભાઇઓ વ્યસ્ત બની ગયા છે. માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતી ભાઇઓ ઉનાળો બેસી જાય તે માટલાનો પુરતો સ્ટોક ખડકી દેવા માંગે છે. દિવસ-રાત મહેનત કરે છે.
હાલમાં બજારમાં ત્રણ પ્રકારના માટલા સૌથી વધુ વેચાય છે. બરફ જેવું ઠંડુ પાણી કરી આપતા ગોળ માટલા અમે જાતે બનાવીએ છીએ. જ્યારે ડીઝાઇનવાળા અને નળ વાળા માટલા અમદાવાદથી મંગાવીને વેચીએ છીએ. હાલમાં બજારમાં સાદા ગોળાની માંગ ઓછી છે. ડીઝાઇન અને નળવાળા માટલાની માંગ વધુ રહે છે. મોંઘવારીની અસર આ ધંધા પર પણ પડી છે. માટી, ટ્રાન્સર્પોટેશન વગેરેનો ખર્ચ વધ્યો છે. બીજી તરફ ભૌતિક સુવિધાઓ વધતા ફ્રીઝનો વપરાશ વધ્યો છે. તેને લીધે ગોળાઓ લોકોના ઘરમાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે. વેપાર-ધંધાના સ્થળે કે લોકોના ઘરમાં મીનરલ વોટરના પ્લાસ્ટીના કેરબાઓનું ચલણ પણ વધ્યુ છે. આમ છતાં અનેક લોકો હજી પોતાના ઘરમાં દેશી માટલાઓ રાખે છે અને ફ્રીઝના પાણી કરતા માટલાના ઠંડા પાણીનો આગ્રહ રાખે છે. ઉનાળામાં આ દેશી ગોળાની ખરીદી નીકળે તે પહેલા પ્રજાપતી ભાઇઓ ગોળા તૈયાર કરી લેવા માંગે છે.