આજે પણ ખેલમહાકુંભ માટે ૩૫ બસ ફાળવાઈ, રોજીંદા યાત્રિકો અને અંતરિયાળ વિસ્તારના પ્રવાસીઓની દયનિય સ્થિતિ
ભાવનગર જિલ્લામાંથી વડાપધાનના કાર્યકમમાં જન પ્રતિનિધિઓ એવા સરપંચોને લઈ જવા એસટી ડિવિઝનની ૧૧૭ બસ રોકી લેવાતા મુસાફરો રઝળી પડ્યા હતા. મોડી સાંજ સુધી યાત્રીઓ આમથી તેમ અટવાતા જોવા મળ્યા હતા. સરપંચ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી મળી ૧૧૭ બસ ફાળવી દેવાઈ હતી આથી ૩૦% રૂટ પ્રભાવિત થયા હતા. જયારે આજે ખેલ મહાકુંભ માટે ૩૫ બસ ફાળવાઈ છે આથી આજે પણ કેટલાક રૂટ પ્રભાવિત થતા સતત બીજા દિવસે એસટીના રોજીંદા મુસાફરો બસની રાહ જોઈ કંટાળ્યા હતા. સરકારી મેળાવડા કે રાજકિય કાર્યક્રમોમાં મેદની એકત્ર કરવા સરકારી બસનો ઉપયોગ હાથ વગો છે પરંતુ રોજીંદા યાત્રીઓ અટવાઈ પડે છે તેનો કોઈને વિચાર નથી. ખાસ કરીને આંતરિક રૂટ પરની બસ સેવા ખુચવાતા મુસાફરોની સ્થિતિ વધુ દયાજનક બની જાય છે આ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.