પી.આર.આઈ. વર્કશોપમાં ગામના આગેવાનોને લોક સહયોગ અને રાજ્ય સરકારની વિવિધ આરોગ્ય સેવાઓની સમજણ અપાઇ : આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરવાં માટે ગ્રામ સંજીવની સમિતિ ખૂબ ઉપયોગી સાબિત થઇ છે- ડો.મનસ્વીનીબેન માલવિયા
ભાવનગરના જિલ્લામાં આરોગ્ય સ્થિતિ વધુ બહેતર બને માટે સમયે-સમયે વિવિધ અભિયાનો અને કાર્યક્રમો યોજાતાં હોય છે. આ ઉપરાંત આરોગ્યકર્મીઓ અને ગ્રામલોકોને પણ સજાગ અને જાગૃત રાખવાં માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિની શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી જ એક તાલીમનું આયોજન સિહોર ખાતે ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતાં વિવિધ કાર્યક્રમો અને અભિયાનોમાં લોકોની સક્રિય ભાગીદારી વધે તેવાં હેતુથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ સંજીવની સમિતિ આરોગ્ય અંગેના, સામાજિક વિકાસના કાર્યોની ચર્ચા કરે અને પોષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અંગે ગામમાં કામગીરી કરે તેવા હેતુસર શિહોર ખાતે આવેલા હનુમાનધારા ખાતે સિહોર, વલભીપુર, ઉમરાળાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવિયા દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આ અંગેની સમજણ આપતાં જણાવ્યું કે, આ સમિતિ દ્વારા સમાજમાં મોટો બદલાવ લાવવાની ક્ષમતા રહેલી છે. તેથી તેમાં સમાવિષ્ટ સભ્યોને સમયાંતરે તેની જાણકારી મળે તે જરૂરી છે. આ સમિતિમાં સમાજના તમામ વર્ગોના લોકો છે તેથી તેઓ રાજ્ય સરકારની અને આરોગ્ય સેવાઓની વાત સરળતાથી નીચેના સ્તર સુધી લઇ જઇ શકે છે. આ તાલીમમાં લોકોને આરોગ્ય યોજનાઓનો લાભ કઇ રીતે મેળવી શકાય તે અંગેની જાણકારી આપીને ગ્રામલોકોને આરોગ્યના દરેક કાર્યક્રમોની જાણકારી મળે તેમજ ગામેગામ ગ્રામ સંજીવની સમિતિ દર માસના પ્રથમ શનિવારે મળે અને દરેક સમાજના પ્રતિનિધિઓ, દૂધ મંડળીના જનપ્રતિનિધિઓ, આરોગ્ય સેવાના લાભાર્થીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને દરેક ગામોમાં ગ્રામ સંજીવની સમિતિ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે અને તે દ્વારા તાલુકા સ્તરે આરોગ્યની સેવા સુધારવા માટેનો જ સંવાદ કરવામાં આવશે. આ તાલીમમાં જિલ્લામાંથી આરોગ્ય શાખાના ડો.ધવલભાઇ દવે, ડો.યોગીતાબેન ધોળીયા, ડો.આશીયાબેન હુનાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત દ્વારા તાલીમાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. પી.આર. વર્કશોપમાં પણ શિહોર તાલુકાના આગેવાનોને આરોગ્યક્ષેત્રે લોક સહયોગથી સારી કામગીરી કરવાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાલુકા હેલ્થ સુપરવાઇઝર કરણભાઈ દ્વારા આ અંગેનું સંકલન કરવામાં આવ્યું હતું. આર.ડી.ડી. વિભાગમાંથી ડો. યોગીતાબેન ધોળીયા અને મેડિકલ ઓફિસર સણોસરા ડો. આશીયાબેન હુનાણી દ્વારા હાથ ધોવાની રીતો વિશે સમજૂતી આપી હતી. શિહોર, ઉમરાળા, વલભીપુરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, આર.બી એસ.કે. મેડિકલ ઓફિસરઓ, ગ્રામ સંજીવની સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.