મહિલાઓ માટેના જાહેર શૌચાલય બનાવવા પણ માંગ કરાઈ : આંબેડકર સર્કલથી સિતારામ સર્કલ સુધીનો રોડ ત્રણેક વર્ષથી અતિ બિસ્માર હાલતમાં
પાલિતાણા શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલથી બાપા સિતારામ સર્કલ સુધીનો રોડ છેલ્લા ત્રણેક વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે, આ રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી ત્યાં આગળ ઈમરજન્સી એમ્બ્યુલન્સની પણ અવરજવર થઈ શકતી નથી. આથી આ ગંભીર બાબતે આમ આદમી પાર્ટીના શહેર અને ગ્રામ્યના આગેવાનો દ્વારા રજુઆત કરાઈ છે.
આ રોડ પર બસ સ્ટેશન તેમજ ખાનગી હોસ્પિટલો આવેલી છે આથી દર્દીઓ અને ખાસ કરીને સગર્ભાને લાવવા લઇ જવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ ઝડપથી ચલાવી શકાઈ તેમ નથી આથી દર્દીઓને સારવાર મળવામાં વાર લાગે છે. આ રોડ પર બસ સ્ટેશન, ખરીદી માટે માર્કેટ આવેલ હોય તેમજ દિવસ દરમિયાન હજારો લોકો, વાહનો પસાર થતા હોય રોડ ખરાબ હોવાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. સાથોસાથ પાલીતાણા જૈનોનુ પવિત્ર યાત્રાધામ હોવાથી દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય આવા ખરાબ રોડના કારણે પાલીતાણાની ગરીમાને ઠેસ પહોંચે છે. પાલીતાણા બસ સ્ટેશન થી મુખ્ય બજાર, શાક માર્કેટ, શેત્રુંજય ગેટ, છેલ્લા ચકલાથી તળેટી વિસ્તાર સુધીમાં મહિલાઓ માટે જાહેર શૌચાલય ન હોય આ જાહેર માર્ગો પર સત્વરે મહિલાઓ માટે જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી પાલિતાણા શહેર અને ગ્રામ્ય આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ચિફ ઓફિસરને આવેદનપત્ર આપીને માંગ કરાઈ હતી.આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠન મંત્રી, ઓ.બી.સી. સેલના પ્રમુખ, મહિલા સેલના પ્રમુખ,મીડિયા સેલના કન્વીનર તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.