મુંબઇ, તા.૧૩
બોલિવુડના બહુચર્ચિત લવબર્ડ્સમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, આ વાત કદાચ તમે કેટલીયવાર સાંભળી હશે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, તેઓ ડિસેમ્બર ૨૦૨૨માં નહીં પરંતુ ઓક્ટોબર ૨૦૨૨માં લગ્ન કરવાના છે. અગાઉ તેમના લગ્ન ગત વર્ષે થવાના હોવાની ચર્ચા થતી હતી. જે બાદ આ વર્ષના એપ્રિલમાં મૂહુર્ત લેવાયું હોવાના રિપોર્ટ્સ હતા. પરંતુ એપ્રિલ, ૨૦૨૨મા થવાના નથી કારણ કે તેને આડે માત્ર હવે ૨૦ દિવસની જ વાર છે. હાલ, કપૂર અને ભટ્ટ પરિવારનો હાલનો નિર્ણય એ છે કે, લગ્ન આ વર્ષે જ ઓક્ટોબર મહિનામાં થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વાત આવે છે ત્યારે તારીખ કેમ પાછળ-પાછળ જતી રહે છે તે ખરેખર કોઈ નથી જાણતું. મુંબઈના પાલી હિલમાં આવેલો કૃષ્ણા રાજ બંગલો, જ્યાં કપલ લગ્ન બાદ વસવાટ કરવાનું છે, તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને હજી બનીને તૈયાર થયું નથી. તેને તૈયાર થવામા અને ત્યાં શિફ્ટ થવામાં આજથી ઓછામાં ઓછા ૧૮ મહિના લાગી શકે છે’. બંને ઓક્ટોબર, ૨૦૨૨માં જ લગ્ન કરી લે તેવી હવે ફેન્સ પણ આશા રાખી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ હાલ સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનેલી ’ગંગુબાઈ કાઠિયાવાડી’ની સફળતાને માણી રહી છે. ફિલ્મમાં તેના પર્ફોર્મન્સના ખૂબ વખાણ થયા છે. તો બીજી તરફ રણબીર કપૂર યશ રાજ બેનર્સ હેઠળ બનનારી ફિલ્મ ’શમશેરા’માં જોવા મળશે, તેની ઓપોઝિટમાં વાણી કપૂર છે. રણબીર કપૂર પાસે શ્રદ્ધા કપૂર સાથેની લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.
આ સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા પણ દેખાશે. તેઓ અયાન મુખર્જીની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. જેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ છે.