બેંગલુરુ, તા.૧૩
દુનિયાભરના બેટ્સમેનો માટે ખોફ જસપ્રીત બુમરાહે શ્રીલંકાની સામેની ડે-નાઈટ ટેસ્ટમાં પણ ઘાતક બોલિંગ કરી. તેણે માત્ર ૨૪ રન આપીને ૫ વિકેટ ઝડપી મહેમાન ટીમને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૦૯ રન પર ઓલઆઉટ થવા માટે મજબૂર કરી દીધી. પહેલી ઈનિંગ્સમાં ૨૫૨ રન બનાવનારી ભારતીય ટીમે ૧૪૩ રનની લીડ મેળવી લીધી છે. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે સૌથી વધુ ૪૩ રન બનાવ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૨૪ રન આપી પાંચ, જ્યારે મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને ૨-૨ વિકેટ ઝડપી. બીજા દિવસે જોવામાં આવે તો ભારતીય બોલરોએ ૫.૫ ઓવર જ બોલિંગ કરી. ૩૫મી ઓવરના બીજા દડે જસપ્રીત બુમરાહે નિરોશન ડિક્વેલાને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. તે ૩૮ દડામાં ૨૧ રન બનાવી આઉટ થયો. તે બુમરાહની ઈનિંગ્સમાં ૫મી વિકેટ રહી. એટલું જ નહીં, તેની આ ઈન્ટરનેશનલ લેવલ પર ૩૦૦મી વિકેટ પણ હતી. ટેસ્ટ મેચોમાં તેના નામે ૧૨૦ વિકેટ થઈ ગઈ છે, જ્યારે વન-ડેમાં ૧૧૩ અને ટી-૨૦માં ૬૭ વિકેટ નોંધાવી છે. રસપ્રદ વાત તો એ છે કે, જસપ્રીત બુમરાહના ટેસ્ટ કરિયરની ૮મો ફાઈવ વિકેટ હૉલ રહ્યો, પરંતુ ભારતમાં તે માત્ર પહેલા ફાઈવ વિકેટ હૉલ છે. આ પહેલા બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં બે-બે વખત, જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક વખત આવો કમાલ કર્યો છે. ફાસ્ટ બોલર તરીકે આ શ્રીલંકા સામે કોઈપણ ભારતીયનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. તેના પહેલા આ રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો. તેણે ૨૦૧૫માં કોલંબોમાં ૫૪ રન બનાવી ૫ વિકેટ ઝડપી હતી.