જગતમાં વૃક્ષોની સંખ્યા કેટલી એમ તમને પૂછવામાં આવે તો માથું ખંજવાળવાનો વિકલ્પ તમારી પાસે શેષ રહે છે.
એક અંદાજ મુજબ વિશ્વમાં ૩.૦૪ ટ્રિલિયન અથવા ૩૪ ખર્વ એટલે ૩૪૦૦૦૦ કરોડ વૃક્ષો છે. અલબત,પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા હવે અડધી રહી ગઈ છે. યુરોપ જે અગાઉ જંગલોથી ઢંકાયેલું હતું, તે હવે ખેતી માટે ઘણી જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. વિશ્વના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ છે, જ્યાં જંગલોને કાપીને ખેતરોમાં ફેરવવામાં આવ્યા છે.
વિશ્વમાં દર વર્ષે ૧૫૦૦ કરોડ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જ્યારે તેમની જગ્યાએ ૫૦૦ કરોડ નવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. છોડમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયામાં આનો મોટો ભાગ દમ તોડી દે છે. દર વર્ષે વિશ્વના ઘણા ભાગોમાંથી જંગલમાં આગ લાગવાના અહેવાલો આવે છે. સાથે જ જંગલો પણ કાપવામાં આવી રહ્યા છે
દુનિયાનું સૌથી મોટું વર્ષાવન એટલે કે રેનફોરેસ્ટને એમઝોનિયા કે અમેઝોન વન કહે છે. દક્ષિણ અમેરિકાના અમેઝોન બેસીનના એક મોટા ભૂ-ભાગ પર ફેલાયેલું આ એક પહોળા પત્તા અને ભેજવાળું વન છે જે ૧૭ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે.આ ક્ષેત્ર ૯ દેશોની સરહદોમાં પડે છે.જેનું અસ્તિત્વ લગભગ ૫૫ મિલિયન વર્ષોથી છે. અહિં દુનિયાના ૧૦ ટકાથી વધારે પ્રજાતિયોના જીવ-જંતુ અને ૨૦૦ થી વધારે પ્રજાતિયોના પક્ષીઓ મળી આવે છે. આ જંગલ લગભગ ૧૬ હજાર વૃક્ષોની પ્રજાતિયો અને ૩૯૦ બિલિયન વૃક્ષોનું ઘર છે. દુનિયાની લગભગ ૨૦ ટકા ઓક્સિજન અમેઝોનના વર્ષાવનથી પેદા થાય છે. અહિ જમીન સુધી સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી . આ જંગલ માટે કહેવાય છે કે, જો તે કોઈ દેશ હોત તો તે દુનિયાનૌ સૌથી મોટા દેશના લિસ્ટમાં નવમા ક્રમે હોત. જો કે, જંગલ માટે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, એક સમય એવો આવશે જ્યારે આ જંગલ નહીં હોય અને માત્ર મેદાન જ દેખાશે.અહીંની હરિયાળી ખતમ થઈ જશે!!! ૨૦૬૪ સુધીમાં એમેઝોનના જંગલો ખતમ થઈ જશે. જંગલમાં વારંવાર લાગતી આગ, દુકાળ, બેફામ રીતે કપાતા વૃક્ષો આ માટે જવાબદાર હશે.
વૃક્ષો અને જંગલ પૃથ્વી પર કાર્બન ડાયોકસાઇડને શોષી લેતા સૌથી મોટા કુદરતી પંપ છે. જે અશુધ્ધ હવાને શુધ્ધ કરીને ઓકસીજન આપે છે. જળવાયુ સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવતા જંગલોનું મહત્વ બધા જ જાણે છે પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે વૈશ્વિક કાર્બન ચક્રમાં સડેલાઅને મૃત વૃક્ષોના અવશેષો અને કોહવાટમાંથી અંદાજે ૧૦.૯ ગીગાટન જેટલો કાર્બન ડાયોકસાઇડ નિકળે છે. જંગલોમાં અવશેષો અને પોષક તત્વોનું પુનચક્રણ (રીસાયકલ) એક ખૂબ મોટી સમસ્યા છે. દુનિયા ભરમાં સડેલા વૃક્ષોના અવશેષોમાંથી કાર્બન નિકળવાની પ્રક્રિયામાં કિટકોની ભૂમિકા ખૂબજ મહત્વની છે.
ભારતમાં દર વર્ષે ૨૫ હજાર હેક્ટર જંગલ નોન ફોરેસ્ટ્રી યુઝ માટે કપાય છે. તેમજ જંગલોમાં આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ૨૦૧૧થી અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની ઘટના ૧,૧૭,૩૬૯ વખત બની છે. તેમાંથી માત્ર ૫ ટકા ઘટના કુદરતી કારણથી છે. આગ લાગવાથી વર્ષે હિમાચલમાં ૪૫૦૦ હેક્ટર અને ઉત્તરાખંડમાં ૩૧૮૫ હેક્ટર જંગલો નાશ પામ્યાં છે.
આપણે ત્યાં સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જંગલોની અધતન સ્થિતિ અંગે દર બે વરસે અહેવાલ બહાર પાડે છે. અહેલાલમાં થોડી ઘણી અતિશયોક્તિ આવવાની ! એના પિષ્ટિપિંજણમાં શું કામ પડવું જોઇએ?? સર્વે કહે કે વૃક્ષો વધ્યા તો વૃક્ષારોપણ, રોડ સાઇડ વનીકરણ, સામાજિક વનીકરણની અસર થઇ તેમ નિર્વિવાદપણે માની લેવું. જેમાં કશું નુકસાન નથી. તમારી નજર સામે રોડ બનાવવા ઘટાદાર વૃક્ષો કપાય તો તેની સામે અન્ય જગ્યાએ વૃક્ષારોપણ થાય છે. વૃક્ષની ઘટ સરભર થઇ જશે!! અરે, ભલાદમી વૃક્ષારોપણ હેઠળના રોપા બકરી ખાઇ જાય છે તો શું થયું ? દેશનું બકરીધન સુદ્રઢ થયું કે નહીં!!આવી ક્ષુલ્લક બાબતોમાં ઉર્જા બગાડવા કરતા ભાગલા વ્હોરાની જેમ વન મેન આર્મી થઇ વૃક્ષ વાવી, ઉછેરી વૃક્ષ કાપનારને હકારાત્મક જવાબ આપો!!
જંગલના સર્વેમાં નકશો પણ મુકવામાં આવેલા છે.તેને ઝૂમ કરતાં દિલ્હીના અકબર રોડ કે લુટિયન્સ ઝોનનો રહેણાક મોડેસ્ટ ફોરેસ્ટ એરિયા ગણ્યો છે!! બોલો તેમાં વાંધો શું છે? શહેરીકરણ કે વધારે મકાનોને આપણે સિમેન્ટ કોંક્રિટના જંગલો કહીએ છીએ! જે શબ્દસમુહમાં જંગલો શબ્દ નિહિત હોય તે વિસ્તારને જંગલ ગણવામાં મિડિયા કે તથાકથિત કર્મશીલોને શેનું પેટમાં દુખે છે?
વનોની ત્રણ શ્રેણી પાડવામાં આવી છે. ગાઢ,મધ્યમ અને ખુલ્લા વન.ખુલ્લા વનક્ષેત્ર વાસ્તવિક વન ક્ષેમ બહારના વિસ્તારો છે. ત્યાં એક હેકટર જમીન પર ૧૦% વિસ્તારમાં વૃક્ષો હોય છે. જંગલો જાહેર સંપતિ છે. આ દ્રષ્ટિકોણ મુજબ ચાના બગીચા કે નારિયેળીના બગીચા વ્યવસાયિક હોવાથી જંગલો ન કહેવાય. લો કર લો બાત. જંગલ જંગલ ન કહે તો કયાં દંગલ કહેંગે? ચાના બગીચા કે નારિયેળના બગીચાની માલિકી ખાનગી હોવાથી જંગલ મટી જાય તેનો વ્યવહાર અંધેરી નગરીના ગંડું રાજાના ન્યાય જેવો ગણાય!!જે ખેતરમાં ખેતી થતી હોય તે પણ જંગલ ન ગણાય તો કયામત આવી ગણાય!!
જંગલનો વિસ્તાર ગણવા માટે બંગલાના બગીચા , ચાના બગીચા, નારિયેળના બગીચા,બન્નીના ઘાસિયા મેદાન ,રણ પ્રદેશની ઝાડીઓને વન વિસ્તાર ગણી આપણે વન વિસ્તાર વઘાર્યો, ગ્રીન કવર વઘાર્યું તો એનજીઓના પેટમાં કેમ ચૂંક આવે છે? આ બધા કંઇ ફેકટરીઓમાં કયાં ઉત્પાદિત થયેલ છે???આવા નકારાત્મક માણસો, સંસ્થાઓને પેક કરીને યુક્રેનમાં પાર્સલ કરી દો.
દેશનો જંગલ વિસ્તાર વધારવા માટે મારા ઘરના બગીચામાં મહામહેનતે ઉગાડેલા ચણાના ઘટાદાર વૃક્ષોને ગણતરીમાં લઇ લો. દરેકના ઘરમાં ફૂલદાનીમાં કે કુંડામાં રોપેલ પ્લાસ્ટિકના છોડ-ઝાડ પણ ગણતરીમાં લઇ લો. છતાં વન વિસ્તાર ખૂટતો હોય તો માણસો- જનાવરોના રંવાટાવન, પાંપણો પણ ગણતરીમાં લઇ લો. બાય હુક ઓર ક્રુક જંગલ વિસ્તાર હોવો જોઇએ તેના કરતા વધારે બનાવી દો એટલે બસ!!!
– ભરત વૈષ્ણવ