ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો : યુક્રેનના પશ્ચિમ ભાગમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં કામચલાઉ રીતે ખસેડાશે
નવી દિલ્હી, તા.૧૩
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ૧૮ દિવસ વીતી ગયા છે અને ત્યાં સ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની રહી છે. બંને દેશ ઝૂકવા તૈયાર નથી. આ દરમિયાન રવિવારે એક મોટી માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનના પશ્ચિમ ભાગમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે નિર્ણય લીધો છે કે યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં કામચલાઉ રીતે ખસેડવામાં આવશે. આ પહેલા રવિવારે પીએમ મોદીએ યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ આ બેઠકમાં વિદેશ મંત્રી, નાણા મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત અન્ય ઘણા મોટા મંત્રીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ બેઠકમાં ભારતની સુરક્ષા તૈયારીઓની તેમજ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધથી બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. હવે રશિયા પશ્ચિમી પ્રદેશોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તમામ પ્રતિબંધો છતાં રશિયા પોતાની શરતો પર અડગ રહ્યું છે, જ્યારે યુક્રેન રશિયા સામે ઝૂકવાને બદલે તેના હુમલાનો સતત જવાબ આપી રહ્યું છે. યુક્રેનમાં બગડતી સુરક્ષા સ્થિતિને ટાંકીને ભારત સરકારે રવિવારે યુક્રેનની એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે યુક્રેનના લગભગ દરેક ક્ષેત્રમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. અહીં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. યુક્રેનના ઉમાન, ખાર્કીવ, ક્રેમાટોર્સ્ક, સ્લોવિઆન્સ્ક, વિનિત્શિયા, કિવ, પોલ્ટાવા, ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, લ્વીવ, ઓડેસા, વોલીન, ઝાપોરિઝ્ઝ્યા, બેરેઝિવકા, ઇઝમેલ, કિલિયા, યુઝ્ને, ચેર્નોમોર્સ્ક અને બેલીવકાવમાં સાયરન્સ સક્રિય કરવામાં આવ્યા છે. તેમજ કિવ, રિવને, ચેર્નિહિવ, ટેર્નોપિલ, ડીનિપ્રો, ચેર્કસી અને સુમી ઓબ્લાસ્ટના લોકોને તાત્કાલિક મેટ્રો શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ૧૮મો દિવસ છે. યુક્રેનનો દાવો છે કે તેણે ખેરસનમાં બે રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. રશિયાએ યુક્રેનના કિવ ઓબ્લાસ્ટ પર સતત બોમ્બમારો કર્યો હતો. આ સાથે જ રશિયન સૈનિકોએ કિવમાં ગ્રીન કોરિડોરમાંથી બચાવામાં આવી રહેલી મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક બાળક સહિત ૭ લોકોના મોત થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે રશિયા પર મેલિટોપોલ શહેરના મેયરનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેની તુલના “ૈંજીૈંજી આતંકવાદીઓ” ના કાર્યો સાથે કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું “તેઓ આતંકના નવા તબક્કામાં પ્રવેશ્યા છે, જેમાં તેઓ યુક્રેનના કાયદેસર સ્થાનિક વહીવટના પ્રતિનિધિઓને નષ્ટ કરવા, નુકસાન પહોંચાડવા અને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.