જલ્દી થશે કોરોના મહામારીનો અંત : ઘણા દેશોએ પહેલા જ કોવિડ પ્રોટોકોલના સખત નિયમોમાં ઢીલ આપવાનું હવે શરુ કરી દીધું છે
નવી દિલ્હી, તા.૧૩
દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી સંકટનું કારણ બનેલી કોરોના મહામારીનો અંત હવે જલ્દી થઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે આ વાત પર ચર્ચા શરુ કરી દીધી છે કે કોવિડ-૧૯ મહામારીને કેવી રીતે અને ક્યારે ખતમ જાહેર કરવામાં આવે. એ વાત ઉપર પણ વિચાર થઇ રહ્યો છે કે કોરોના વાયરસ આવ્યાના બે વર્ષ કરતા વધારે સમય પછી જ્યારે તેને ખતમ જાહેર કરવામાં આવશે તો તેની આખી દુનિયા પર શું અસર થશે. જ્યારે ઘણા દેશોએ પહેલા જ કોવિડ પ્રોટોકોલના સખત નિયમોમાં ઢીલ આપવાનું શરુ કરી દીધું છે.WHO એ કહ્યું કે કોરોના મહામારીના અંતની જાહેરાત તાત્કાલિક કરવા વિશે હાલ કોઇ વિચાર કરવામાં આવી રહ્યો નથી. દુનિયામાં મોટા ભાગના દેશોમાં નવા કેસોમાં ઘટાડો થયો છે. જોકે હોંગકોંગમાં મૃત્યુ દર વધ્યો છે અને ચીનમાં બે વર્ષમાં પ્રથમ વખત સપ્તાહમાં ૧૦૦૦થી વધારે નવા દૈનિક કેસ નોધાયા છે. જેથી જેનેવા સ્થિત WHO માં એ વાત પર ચર્ચા થઇ રહી છે.