હોંગકોંગમાં નોંધાયા ૨૭ હજાર કેસ : ચાઈનામાં શનિવારે કોરોના વાયરસના ૧,૮૦૭ નવા કેસો સામે આવ્યા જ્યારે ૧૩૧ દર્દી બહારથી આવ્યા છે
ચાંગચુન, તા.૧૩
વર્ષ ૨૦૧૯માં કોરોના વાયરસની મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી અને હવે ત્યાં ફરી એકવખત કોરોના માથું ઊંચકી રહ્યો છે. ચીનમાં ફરી એકવખત કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યાંના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસના લગભગ નવા ૨ હજાર કેસો સામે આવ્યા છે કે જેમાં બેઈજિંગના ૨૦ સંક્રમિત સામેલ છે. મળતી માહિતી મુજબ, ચાઈનામાં શનિવારે કોરોના વાયરસના ૧,૮૦૭ નવા કેસો સામે આવ્યા જ્યારે ૧૩૧ દર્દી બહારથી આવ્યા છે. ચાંગચુનમાં ચીને કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખતા ગત શુક્રવારે લોકડાઉન લગાડવા માટેનો આદેશ આપ્યો હતો. આ શહેરની વસ્તી આશરે ૯૦ લાખ જેટલી છે. પ્રશાસને ચાંગચુન સિવાય શાંડોંગ પ્રાંતના યુચેંગમાં પણ લોકડાઉનનો આદેશ આપ્યો છે કે જેની વસ્તી આશરે ૫ લાખ છે. દરમિયાન હોંગકોંગમાં પણ કોરોના વાયરસ માથું ઊંચકી રહ્યો છે. જ્યાં અધિકારીઓએ જણાવ્યું છે કે અહીં કોરોના વાયરસના નવા ૨૭,૬૪૭ કેસો નોંધાયા છે. ચીન દ્વારા શુક્રવારે ઉત્તર-પૂર્વમાં ૯૦ લાખ લોકોની વસતી ધરાવતાં ચાંગચુન શહેરમાં કોરોનાનાં વધતાં કેસોને જોતાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં રહેતાં તમામ લોકોને ઘરમાં જ રહેવા માટે આદેશ કરાયો છે અને આ ઉપરાંત ફરજિયાત ૩ વખત ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક જરૂરિયાત સિવાયના તમામ ધંધા-વેપાર બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય શહેરો સાથે જોડતી ટ્રાન્સપોર્ટ લિંકને પણ અટકાવી દેવામાં આવી છે. ચાંગચુન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના નિર્દેશન ઝાંગ જિંગગુઓએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું છે કે, ચાંગચુનમાં મળેલ પ્રથમ કેસની કોવિડ પ્રભાવિત ક્ષેત્રમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી હતી. તેઓએ કહ્યું કે, ચાંગચુનના ૧૧ કેસની જીનોમ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. જિંગગુઓએ કહ્યું કે, ચાંગચુનમાં મહામારીની સ્થિતિ હજુ પણ વધી રહી છે અને ઓછા સમયમાં કેસોની સંખ્યામાં ઉછાળો થઈ શકે તેવી સંભાવના છે. હોંગકોંગમાં શનિવારે કોરોના વાયરસના નવા ૨૭૬૪૭ કેસો નોંધાયા છે. દરમિયાન શાંઘાઈમાં સ્કૂલ-પાર્ક બંધ રહ્યા ત્યારે ફ્લેટ્સ વિસ્તારમાં પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. કોરોનાના નવા કેસો નોંધાતા બેઈજિંગમાં પ્રશાસને લોકોને કહ્યું કે તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે નહીં.