આ વર્ષે જૈન તિર્થક્ષેત્ર પાલીતાણામાં ઢેબરા તેરસનો મેળો ઐતિહાસિક મેળો બનશે : દેશ-વિદેશથી જૈન સદ્દગૃહસ્થો સહપરિવાર ઉમટી પડે તેવી પ્રબળ સંભાવના
પાલીતાણા જૈન તીર્થ આદપર ખાતે તા.૧૬ માર્ચનાં રોજ ઢેબરા તેરસનાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર એસ.ટી. ડિવિઝન તરફથી ઢેબરા તેરસ છ ગાઉ યાત્રાનાં મેળામાં મુસાફરો યાત્રાળુઓને સારી સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલીતાણાથી આદપર મેળા માટે ૪૦ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
વિશ્વભરમાં વસતાં જૈન સમુદાયના આસ્થાનું કેન્દ્રબિંદુ એટલે પ્રથમ સ્થાને સમેત શિખર અને બીજા ક્રમે ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા તાલુકા સ્થિત વિવિધ ગિરીમથકોની ટોચે આવેલા જૈન તિર્થક્ષેત્ર સહિત પાલીતાણા શહેરમાં આવેલા વિવિધ જૈન દેરાસર. છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાને પગલે જાહેર મેળા-મેળાવડા સાથોસાથ તહેવારો-ઉત્સવો પર પ્રતિબંધ હતો, પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે વધુ છૂટછાટ આપી છે. ત્યારે આવનારા દિવસોમાં તહેવારો-ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેને લઈ આગામી ફાગણસુદ તેરસના રોજ પાલીતાણા ખાતે ઉજવાતા જૈન સમુદાયના તેરસ ઉત્સવની ઉજવણી ઐતિહાસિક બની રહે એવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. વહીવટી તથા સરકારી અનુમતિ-માર્ગદર્શન મુજબ ઢેબરાં તેરસનો ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાની હિમાયત કરવામાં આવી છે. આ સંદર્ભે સરકાર દ્વારા પણ હકારાત્મક અભિગમ દર્શાવતા આ વર્ષનો મેળો જૈન સમાજ માટે યાદગાર બની રહે એવી તડામાર તૈયારીઓ આજથી જ આરંભી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એ સાથે સ્નેહ મિલન મહાપૂજાઓ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.