કોરોના પર નિયંત્રણ જાળવી રાખવા સરકાર સજ્જ : ૬૦ વર્ષથી વધુ વયના બૂસ્ટર ડોઝ લઈ શકશે, દેશમાં ૧૫થી ૧૮ વર્ષના વયજૂથમાં ૩ કરોડથી વધુ કિશોરોને કોવિડ-૧૯ની વેક્સિન આપવામાં આવી
નવી દિલ્હી, તા.૧૪
કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે ૧૨થી ૧૪ વર્ષના બાળકોને ૧૬ માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે. તેમણે હિંદીમાં ટિ્વટ કરી હતી કે, બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે. ૧૨થી ૧૪ વર્ષના બાળકોને બાયોલોજિકલ ઈનીકાર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૧૮ વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-૧૯ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટિ્વટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે. અહીં યાદ રાખવું જરૂરી છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૫૦૩ નવા કેસ નોંધાયા છે અને ૨૭ લોકોના મોત થયા છે. કોવિડના કેસમાં તાજેતરમાં ૧૯.૬ ટકાનો ઘટાડો થયો છે. કોરોનાના અત્યાર સુધીમાં ૪૨,૯૯૩,૪૯૪ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા ૩૬,૧૬૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૩૭૭ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૨,૪૪૧,૪૪૯ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૫.૧૫ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪.૬૧ લાખ લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં વેક્સિનના ૧,૮૦,૧૯,૪૫,૭૭૯ ડોઝ અપાયા છે. ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-૧૯ રસીકરણની શરૂઆત કરી હતી. ૧૫થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવા માટે કોવેક્સિન અને ઝાયકોવ-૧ વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ઝાયકોક-૧ નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.