માતર પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતના ચાર મૃતક યુવકો અમદાવાદના અમરાઇવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી છે
નડિયાદ,તા.૧૪
નડિયાદ ખેડા બાયપાસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ અમરાઇવાડી અને સીટીએમ વિસ્તારના ત્રણ યુવકો અને સગીર એક બાઇક પર જતા હતા. તે દરમિયાન રાતે બે વાગ્યાની આસપાસ ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટિયા પાસે વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનર પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક પર જતા ચાર લોકોના મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં માતર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મૃતકો પાસેથી પંચ અને તલવાર પણ મળી આવી છે. માતર પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતના ચાર મૃતક યુવકો અમદાવાદના અમરાઇવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી છે. આ મૃતક યુવાનો પાસેથી તલવાર અને પંચ મળી આવ્યા હતા. જેના કારણે હાલમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પોલીસ આગળ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે કે આ યુવાનો કયા કારણેથી પંચ અને તલવાર લઇને જઇ રહ્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા મૃતકોના પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાલ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મુકવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા સુરતમાં પણ બાઇક પર જતા બે યુવાનોનો અકસ્માત થયો હતો જેમાંથી એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. સુરતના પાલ આરટીઓ નજીક બાઈક ઉપર બે પિતરાઇ ભાઇઓ ફરવા નીકળ્યા હતા. ત્યારે એક કાર ચાલકે બેકાબુ થતા બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બે યુવાનોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. મરનાર યુવક પાલિકાના કર્મચારીનો એકનો એક પુત્ર હતો. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મંગળવારની રાત્રે બનેલી આ ઘટનામાં ઝરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો.