ધો- ૧૦ અને ધો- ૧૨ ની બોર્ડની પરીક્ષા તા. ૨૮ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી યોજાશે

84

જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આખરી તૈયારીઓને ઓપ અપાયો : રાજ્ય સ્તરીય વિડિયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રીએ આપ્યું માર્ગદર્શન : વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર-સંશય ઓછો થાય તેવાં વાતાવરણમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી
આગામી તા. ૨૮ માર્ચ થી તા. ૧૨ મી એપ્રિલ સુધી રાજ્યભરમાં ધો-૧૦ અને ધો-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે.
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ અંગેની વિડીયો કોન્ફરન્સમાં ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, ભાવનગર પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, શિક્ષણાધિકારી સર્વ એન. જી. વ્યાસ, જે.પી.. મૈયાણી અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકને સંબોધન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોરોનાને કારણે શિક્ષણ પર ઘણી અસર પડી છે તેવાં સમયે આ બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો એક અલગ જ હાઉ, ઉચાટ, ભય સાથે કારકિર્દી માટે તેના મહત્વ વગેરે પાસાઓને લઇને વાલીઓ સાથે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ભય હોય છે ત્યારે આ પરીક્ષાઓ નિર્ભય રીતે વિદ્યાર્થીઓ આપી શકે તેવાં વાતાવરણનું સર્જન કરવાં શિક્ષણ વિભાગ સજ્જ છે. તેમણે કહ્યું કે, જિલ્લા સ્તરે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ માટે જીવન આસ્થા હેલ્પલાઇન તથા વિદ્યાર્થીઓને મૂંઝવતાં પ્રશ્નો માટે રાજ્ય સહિત જિલ્લા સ્તરે હેલ્પલાઇન સહીતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેનો વિદ્યાર્થીઓ લાભ લઇને પોતાની ચિંતાને હળવી બનાવવી જોઇએ. શિક્ષણ બોર્ડ દ્વારા સી.સી.ટી.વી./ ટેબ્લેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવનાર છે. સંવેદનશીલ અને અતિસંવેદશીલ કેન્દ્રો પર પોલીસ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સિવાય પણ તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પણ પાલન કરવામાં આવનાર છે તેની વિગતો મંત્રીએ આપી હતી.મંત્રીએ ગામડાના વિદ્યાર્થીઓ પણ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે બસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાં માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ભૂતકાળમાં પણ બોર્ડ દ્વારા સફળતાપૂર્વક આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આગોતરી રીતે આયોજન કરીને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં ભયમુક્ત રીતે યોજવાં રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેની રૂપરેખા તેમણે આપી હતી.
આ વિડીયો કોન્ફરન્સનું સંચાલન બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહે કર્યું હતું. એસ.ટી. નિગમના એમ.ડી. એમ.એ. ગાંધી, અધિક પોલીસ મહાનિર્દેશક કોમર, સચિવશ્રી નિપૂર્ણા તોરવણે, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં બોર્ડની પરીક્ષા સાથે સંકળાયેલાં જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપાર્ક કરેલા કન્ટેનરની પાછળ બાઇક અથડાતાં ૪ યુવાનોનાં મોત
Next articleઆજે કદમગીરી ગામે કમળાઈ માતાજીનાં મંદિરે પરંપરાગત કમળા હોળીની ઉજવણી કરાશે