આગામી તા.૧૭ અને ૧૮ના રોજ હોળી,ધુળેટીના રંગ પર્વની ઉજવણી થનાર છે. બજારમાં જાતભાતના રંગો, પીચકારીઓની સાથે ધાણી, દાળીયા, ખજૂરનુ પણ વેચાણ થઈ રહ્યું છે. હોળી પ્રગટાવ્યા બાદ લોકો તેની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ધાણી, દાળીયા, ખજૂર પધરાવે છે. કહેવાય છે કે હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદને પ્રસાદ તરીકે તેમજ શાસ્ત્રોક્ત રીતે હોળીમાં ધાણી, દાળીયા, ખજુરનો હોમ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમ્રુધ્ધી આવે તેવી માન્યતા છે. શહેરના હેવમોર ચોક, શાક માર્કેટ, આબાચોક, ગોળબજાર, તેમજ વિવિધ વિસ્તારોમાં પણ વેચાણ થઈ રહ્યુ છે અને લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત પતાસાના હારડા પણ વેચાઈ રહ્યા છે જેના ઘરે બાળકનો જન્મ થયો હોય તે નાના બાળકને પતાસાના હાર પહેરાવી હોળીની પ્રદક્ષિણા કરાવાય છે.