ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષે હોળી-ધૂળેટીના પર્વ બાદ તાપમાનનો પારો ઉંચકાતો હોય છે, પરંતુ આ વર્ષે કુદરતે જાણે અજૂગતુ ઘટવાના આગોતરા અણસાર આપી રહી હોય તેમ ગોહિલવાડમાં હોળી પહેલા જ દિનપ્રતિદિન તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ભાવનગરમાં રવિવારે મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચ્યો હતો. જેને લઈ લોકો કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહ્યા હતા. સોમવારે પણ ૩૮ ડિગ્રીએ પારો પહોંચી ગયો હતો. જ્યારે રાત્રીનું તાપમાન પણ વધીને ૨૩.૬ ડિગ્રી થઇ જવા પામ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં દર વર્ષે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ઉપરાંત ઔદ્યોગિક કરણનું આંધળું અનુકરણ આ આકરાં તાપ માટે જવાબદાર છે? ગત વર્ષે “તાઉતે” વાવાઝોડા એ ગોહિલવાડને ધમરોળ્યુ હતું. આ ચક્રવાતને પગલે ગોહિલવાડમાં આવેલા હજારો ઘેઘૂર વૃક્ષો નેસ્ત નાબૂદ થઈ ગયા હતા. જેને પગલે આ વર્ષે ઉનાળાના આરંભે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગરમાં સૌથી વધુ તાપ વરસી રહ્યો હોવાનું ખગોળવિદો જણાવી રહ્યાં છે. હાલ ફાગળ માસ ચાલી રહ્યો છે જોકે, વૈશાખ માસમાં જેવો તાપ પડે તે પ્રમાણેનો તાપ હાલ પડી રહ્યો છે. ભાવનગરમાં રવિવારે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. જે સિઝનનુ સૌથી વધુ તાપમાન છે. અને સોમવારે એટલે સતત બીજા દિવસે પણ ૩૮ ડિગ્રીએ પારો પોહચતાં જ અંગ દઝાડતો તાપ અને ગરમ લૂ પડી રહી છે. ઉનાળાના આરંભે આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં તાપમાનનો પારો ક્યાં પહોંચશે તેને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.