હાર્દિક પંડ્યા માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે, આઇપીએલમાંથી બહાર થઇ શકે છે

67

નવીદિલ્હી,તા.૧૫
૨૦૨૧ ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ સતત ટીમ ઈન્ડિયાથી બહાર રહેલા હાર્દિક પંડ્યા માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે. આઈપીએલની શરૂઆત પહેલા જ હાર્દિક પંડ્યાની ફિટનેસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન આઈપીએલ ૨૦૨૨માં રમશે કે નહીં તે નિર્ણય હવે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી લેશે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તેને આઈપીએલમાં રમવા માટે લીલી ઝંડી મળશે, ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તેનું આઈપીએલમાં રમવું મુશ્કેલ બની શકે છે. આગામી ૨ દિવસ હાર્દિક માટે મહત્વના છે.
હાર્દિક પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પહોંચ્યો છે. જ્યાં આગામી બે દિવસમાં ફિટનેસ પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ માટે લીલી ઝંડી મળે. પરંતુ હાર્દિક જો આ એનસીએમાં ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તે આઈપીએલની આખી સીઝન પણ મીસ કરી શકે છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે હાર્દિક આગામી બે દિવસ સુધી એનસીએમાં હશે અને વિવિધ ફિટનેસ પરીક્ષણમાંથી પસાર થશે. તે કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાં બંધાયેલો ક્રિકેટર છે અને તેણે સંયુક્ત આરબ અમીરાતમાં ટી૨૦ વિશ્વ કપ બાદ કોઈ ક્રિકેટ મેચ રમી નથી. ગત વર્ષ શ્રેયસ ઐય્યર પણ ખભાની ઈજા બાદ આઈપીએલમાં રમતા પહેલા ફિટનેસ પરીક્ષણ માટે હાજર થયો હતો. વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા ફિટનેસના પગલે બોલિંગ પણ કરી શકતો નહતો અને આથી તેને ટીમમાં ફક્ત એક બેટ્‌સમેન તરીકે જગ્યા મળતી હતી. પરંતુ આ ખેલાડીનું બેટિંગ પરફોર્મન્સ પણ એટલું સારું નહતું. આથી હાર્દિકે હવે મોટું પગલું ભરતા બીસીસીઆઈને કહ્યું કે તેને ફિટનેસમાં પાછા ફરવા માટે થોડા સમયની જરૂર છે. પરંતુ હવે રિપોર્ટ્‌સ મુજબ હાર્દિક બેટિંગ અને ફિલ્ડિંગ માટે ફીટ હોવાનું કહેવાય છે. તેની બોલિંગ પર હજુ કઈ કહી શકાય નહીં. જો કે ગુજરાત ટાઈટન્સની ટીમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે ફ્રેન્ચાઈઝી તેને ફક્ત બેટર તરીકે જોઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની ટીમ ૨૮ માર્ચના રોજ લખનૌ સુપરજાયન્ટ્‌સ વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરશે. એનસીએ પરીક્ષણ દરમિયાન સૌથી રસપ્રદ પહેલું એ હશે કે આ ૨૮ વર્ષના ખેલાડીને લીગમાં પોતાની ટીમ માટે સંપૂર્ણ રીતે કોણી વાળીને બોલિંગ કરવાની મંજૂરી મળે છે કે નહીં. હાર્દિક પંડ્યાએ ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્‌ડ કપ બાદ પીઠની સર્જરી કરાવી હતી ત્યારથી તે બોલિંગ ફિટનેસ મેળવી શક્યો નથી. ગત વર્ષ ટી૨૦ વર્લ્‌ડ કપની શરૂઆતની મેચોમાં પણ તે બોલિંગ કરતો જોવા મળ્યો નહતો. આવામાં તેને બોલિંગ માટે મંજૂરી મળવી મુશ્કેલ જોવા મળી રહી છે.

Previous articleરશ્મિકા મંદાના મેગેઝીનના કવર પર લાગી રહી છે ગ્લેમરસ
Next articleશિષ્યવૃત્તિની પરીક્ષા લઇને ૫૪.૯૦% નફો કરી દેશને નવી રાહ દેખાડી!!!