“ગિરધરભાઇ.સાહસ અને દુસાહસની વ્યાખ્યા શું?” રાજુ રદીએ મને પાછો આંતરી લીધો. સવાલ તો રાજુના સડેલા દિમાગમાં ખમણના ખીરાની માફક આથો આવી ગયેલો . સવાલ પૂછીને મારી મનોસ્થિતનું વિશ્લેષણ-પૃથ્થકરણ પણ કરે.
રાજુ એનો આધાર વ્યકિત પર છે” મેં ટૂંકાણમાં પતાવ્યું. પણ રાજુ મારી છાલ છોડે?
“મને તમારો જવાબ સમજાયો નહીં.” આમ કહી રાજુ નામક્કર ગયો. સમજો ગઇ ભેંસ પાનીમેં.
“ જો રાજુ મુકેશ અંબાણી કરે એ સાહસ કહેવાય અને અનિલ અંબાણી કરે એ દુસાહસ કહેવાય. અનિલભાઇ જે ધંધામાં હાથ નાંખે તેમાં દાજે છે,ખોટનો ધંધો કરે છે!!” મેં કહ્યું.
“ગિરધરભાઇ.સામાન્ય રીતે એવું કહેવાય છે કે સરકારના જાહેર સાહસો, ઉપક્રમ ધોળા હાથી પુરવાર થાય છે.
બિઝનેસ મેનેજમેન્ટના કુશળ, કાબેલ, ઉત્સાહી, નવોન્મેષ કે પહેલવૃતિ ધરાવતા માનવ સંશાઘનને બદલે સનદી અધિકારી જાહેર સાહસોનું સંચાલન કરે છે. ઊંચા ભાવે થતી ખરીદી, અયોગ્ય માણસોની ભરતી, બિનવ્યવસાયિક અભિગમ, બિનઉત્પાદકતાને ઉતેજન , દીધર્દ્રષ્ટિનો સદંતર અભાવ, ઇજારાશાહીના લીધે સ્પર્ધાત્મકતાનો અભાવ, રેઢિયાળ વહીવટ, સગાવાદના લીધે ગમે તેવા ઉમદા હેતુથી આરંભાયેલ જાહેર સાહસ ખોટનો પાતાળકુવો બની રહે છે. એર ઇન્ડિયા તેનું ઝળહળતું ઉદાહરણ છે!!”રાજુએ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બની જાહેર સાહસોનું ઓડિટ કરી નાંખ્યું!!
“રાજુ. તું વિચારે છે એવું સાવ નથી.દેશને આઝાદી મળ્યા પછી ઘણા જાહેર સાહસો શરૂં કરેલા.ઓએનજીસી, એલઆઇસી, એચએમટી જેવા નવ સાહસોને નવરત્નનો દરજ્જો મળેલ હતો. જયાં રાજકારણીની નિમણૂક થઇ તેવા સાહસો ભ્રષ્ટાચાર, લાગવગ,ટાંટિયાખેંચનો અખાડો બની ગયા. સહિયારું તે કોઇનું નહીં અને ઝભ્ભાની ચાળ ઝાટકવામાં આવે તેમ જવાબદારીનો પલ્લો ઝાડવાની શાહમૃગી નીતિએ જાહેર સાહસોની ઘોર ખોદી.” મેં આક્રોશપૂર્વક કહ્યું.
“ગિરધરભાઇ. સરકારના મોટા ભાગના ખાતા,કચેરીઓ સોનું,ચાંદી,તાંબુ ,રૂપું પેદા કરતા નથી પણ તુમારો, ફાઇલો, કાગળિયા પેદા કરે છે!! બાકી સરકારી જાહેર સાહસો લાખના બાર હજાર કરે છે, ઘણીવાર લાખના ઝીરો કરે છે. જેવી જેની ક્ષમતા!!
હમણા ઉલ્ટી ગંગા વહી ! જાહેર સાહસોની મેલી મથરાવટીને ઉજળી કરી બતાવી. લાખના બાર હજારનું મહેણું ભાંગી બતાવ્યું. અરે ભાંગીને ભૂકકો કરી નાંખ્યું!
રાજ્યભરમાં ધો.૬ અને ૯ના વિદ્યાર્થીઓને વર્ષમાં એક વખત અપાતી સ્કોલરશિપ માટેની પરીક્ષા લેવાઈ હતી. પ્રાથમિકના ધો.૬ના વિદ્યાર્થીઓ માટે પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ લેવાય છે જેની પરીક્ષા ફી રૂ.૪૦ અને માધ્યમિકના ધો.૯ના વિદ્યાર્થીઓ માટે સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ લેવાય છે જેની રૂ.૫૦ પરીક્ષા ફી લેવાય છે. રાજ્યમાં પ્રાથમિકના ૧,૭૫,૬૪૦ અને માધ્યમિકના ૨૧,૩૮૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં કુલ ૧.૯૭ લાખ વિદ્યાર્થીએ આપેલી આ પરીક્ષાની ફી પેટે શિક્ષણ વિભાગને કુલ ૮૦.૯૪ લાખની આવક થઇ. જેની સામે માત્ર ગુજરાતમાં માત્ર ૩૯૦૦ વિદ્યાર્થીને રૂ. ૩૬.૫૦ લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવશે .પરીક્ષા લેવાનો વિધાર્થી દીઠ ખર્ચ રૂપિયા ૧૨૯/- થાય છે.આમ, આ પરીક્ષાનું સફળ સંચાલન કરતા તંત્રને રૂપિયા રૂ.૪૪.૪૪ લાખનો નફો થયો!!તંત્રને શ્રી સવા નહીં, ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫,૪૦,૪૫ કે ૫૦% નહીં પણ ૫૪.૯૦% નો જંગી નફો થયો. આટલું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેનટ કયાં ધંધામાં મળે? એ પણ આટલા ચિંતા ગાળામાં??આપણા રાજ્યે કરેલા અભૂતપૂર્વ વિકાસના લીધે દેશમાં ગુજરાત મોડેલની દુહાઈ દેવામાં આવે છે. હવે રાજ્ય પરીક્ષા તંત્રનું શિષ્યવૃતિ પરીક્ષા મોડેલ દેશમાં ધુમ મચાવશે.બીજા માંદલા, લડખડાતા, વિકલાંગ,ખખડધજ પરીક્ષા બોર્ડની કામગીરી નફાકારક કરવા માટે આઇકોન બનશે!!!
થેંકસ રાજ્ય પરીક્ષા તંત્ર! વેલડન. બ્રેવો. કિપ ઇટ અપ!!!
– ભરત વૈષ્ણવ