શહેરના 13 હેલ્થ સેન્ટર પર બાળકોને વેક્સિન આપવા માટે સુવિધા ઊભી કરવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ બાળકોને વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. વેક્સિનેશનને લઈ બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 13 હેલ્થ સેન્ટર પર બાળકોને વેક્સિન આપવા માટે સુવિધા ઊભી કરવામાં આવી હતી. કોરોના મહામારી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોરોનાથી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેવા હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ કોરોના વોરરીર્સ, ત્યારબાદ 45 વર્ષથી ઉપરના લોકોને જે બાદ 18 થી 44 વર્ષના અને છેલ્લે 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ તમામ કામગીરી પાંચ ફેઝમાં પૂર્ણ કર્યા બાદ હવે છઠ્ઠા ફેઝમાં 12 થી 14 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાનો નિર્ણય કરાયો હતો. જેનો આજથી પ્રારંભ કરાયો છે. બાળકોએ પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલીકા સુભાષનગર હેલ્થ સેન્ટર 12 થી 14 વર્ષની ઉંમરના બાળકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી આવી પહોંચ્યા હતા. કોરોના વિરોધી વેક્સિન માટે બાળકોના વાલીઓ પણ ઉત્સાહથી પોતાના બાળકોને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ભાવનગર જિલ્લામાં અંદાજે એક લાખ વીસ હજાર બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જે ટાર્ગેટ આગામી દિવસોમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તે અંગે મહાનગર પાલિકા આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.