પોલીસ બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લ્લભીપુર-અમરેલી રોડ પર જુના રામપર ગામ નજીક આજે સવારે 11:30ની આસપાસ બાઇક પર જઈ રહેલા પતિ-પત્નીને લકઝરી બસે ઠોકરે ચડાવતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ પત્નીની નજર સામે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વલભીપુરથી અમરેલી હાઈવે પર જુના રામપર ગામ પાસે હિંમત ટ્રાવેલ્સની બસ નંબર GJ 14 Z 0411ના ડ્રાઈવરે રસ્તાની બાજુમાં ઉભેલા પતિ-પત્નીને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરી હડફેટે ચડાવ્યા હતા. બાળકો માટે હોળીના તહેવાર નિમિત્તે ખજૂર-ધાણી, દાળિયા સહિતની વસ્તુની ખરીદી કરીને પરત ફરતા મનસુખભાઇ રાણાભાઈ અને તેના પત્ની હંસાબેનને ઠોકરે ચડાવતા બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હંસાબેનની નજર સામે જ તેના પતિને કાળ આંબી જતા બાળકો પિતા વિહોણા બન્યા છે. હંસાબેનને ગંભીર હાલતમાં ઉમરાળા સરકારી હોસ્પિટલે ખસેડાયા છે અને તેના પતિના મૃતદેહને વલ્લભીપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. બનાવની વધુ તપાસ વલ્લભીપુર પો.સ્ટે.ના પી.એસ.આઈ. ચુડાસમા ચલાવી રહ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી યુવાન ના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.