જળ શક્તિ અભિયાનમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરતાં વિશેષ કાર્યક્રમનું આયોજન

69

સિહોરના સણોસરા ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે જળ શક્તિ અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બજરંગદાસ બાપા હાઇસ્કૂલના કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં શિહોરના તાલુકા વિકાસ અધિકારી નાઝનીનબેન દેસાઈ, રાષ્ટ્રીય જળપ્રહરી એવોર્ડ વિજેતા મુકેશભાઈ પંડિત, સંકલિત બાળ વિકાસ કેન્દ્રનાં સી.ડી.પી.ઓ. હેમાબેન દવે, નાયબ મામલતદાર કે.જી. ચુડાસમા, બજરંગદાસબાપા હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામસિંહ ગોહિલ તેમજ સણોસરાના સામાજિક આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
જીવનચક્રમાં પાણીના મહત્વને સમજાવતાં સિહોરના તાલુકા વિકાસ અધિકારી નાઝ્નીનબેન દેસાઈએ જણાવ્યું કે, મનુષ્યના જીવનમાં દૈનિક ક્રિયાથી લઈને ખેતીનો વ્યવસાય હોય કે પછી કોઈપણ ઉદ્યોગ તમામ જગ્યાએ પાણીનું આગવું મહત્વ છે. પાણી વગર કશું જ સંભવ નથી. ત્યારે આપણે વિકાસની દોડમાં આગળ વધતાં પ્રકૃતિની અનમોલ સંપત્તિ એવાં પાણીનું જતન ચોક્કસથી કરવું જોઈએ. તેમણે સ્વચ્છ ભારત મિશન સહિત કેન્દ્ર સરકારની જળસંચય સાથે જોડાયેલ વિભિન્ન યોજનાઓના તાલુકા કચેરી દ્વારા થતાં અમલીકરણ અંગેની જાણકારી પૂરી પાડી હતી. મનરેગા હેઠળ જળસંચય અને સંરક્ષણ માટે થતાં વિવિધ કામો અંગે તેમણે માહિતી પૂરી પાડી હતી. રાષ્ટ્રીય જળ પ્રહરી એવોર્ડ વિજેતા મુકેશભાઈ પંડિતે જણાવ્યું કે, પાણીની અછતવાળો વિસ્તાર હોય કે પાણીની તંગી સર્જાય ત્યારે આપણે સૌએ પાણી માટે થતી નાની-મોટી લડાઈઓ જોઈ છે. પીવાનું પાણી મેળવવા બેનોના થતાં બેડાયુદ્ધ પણ જોયાં છે, ત્યારે એવું કહેવું સહેજ પણ અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે જો આપણે આ જ પ્રકારે પાણીનો બગાડ કરતાં રહીશું તો આવનાર સમયમાં હવે પછીનું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. પંડિતે પાણીનો બગાડ થતો અટકાવવાના વિવિધ ઉપાયો અંગે જાણકારી આપી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એ આપણાં સૌની સામૂહિક અને સહિયારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું.
તેમણે વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચયની વિવિધ રીતો અંગે માર્ગદર્શન આપવાની સાથે પાણીના સ્ત્રોતોના સંરક્ષણ અંગે પણ જાણકારી પૂરી પાડી હતી. ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ પાણીનો વ્યય નહીં પરંતુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણાં સૌની ફરજ છે. સરકારના જળ શક્તિ અભિયાન, જળ સંરક્ષણ અભિયાન તેમજ જળ જીવન મિશન અંતર્ગત ચાલી રહેલ વિભિન્ન યોજનાઓ અને કાર્યક્રમો અંગે તેમણે માહિતી પૂરી પાડી હતી.
તેમણે પાણીના જતન અને પાણીના યોગ્ય ઉપયોગ અંગે લોકોને જાણકારી આપવાની સાથે પાણી બચાવવા અને જળ શક્તિ અભિયાનમાં સહયોગ આપવા અપીલ પણ કરી હતી. જળ સંચય અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં આઝાદીનાં અમૃત મહોત્સવ, સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, કોવિડ-19 જાગૃતતા અભિયાન, કોવિડ-19 રસીકરણ અભિયાન જેવાં અભિયાનમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતાં. સાથે જ કેન્દ્ર સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જળસંચયના ઉપાયોની સાથે જાગૃતતાના સંદેશ આપતા પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી બજરંગદાસબાપા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સણોસરાના સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleવલ્લભીપુરના રામપર ગામ પાસે બસ ચાલકે બાઈકને અડફેટે લીધું, પત્નીની નજર સામે પતિનું મોત
Next articleસેટેલાઇટથી જમીન માંપણીમાં થયેલી ક્ષતિ હવે તો સુધારો