સત્યને ઉજાગર કરતી કાશ્મીરી પંડિતો પરની આ મુવી નિહાળવા દર્શકોને સિનેમા સુધી લઇ જવા શહેર-જિલ્લામાં શરૂ થયું મિશન
કાશ્મીરી પંડિતો પર થયેલા અમાનુષી અત્યાચાર વર્ણવતી અને સત્ય ઉજાગર કરવાની હિંમત દર્શાવતી મુવી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ સિનેમા ઘરોમાં રજૂ થઇ છે. શરૂઆતના તબક્કામાં આ મુવીને દબાવવા પ્રયાસો થયા પરંતુ દેશવાસીઓ સામે સત્ય આવતા જ આ ફિલ્મ નિહાળવા લોકોમાં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને દેશવાસીઓમાં એક પ્રકારનો દેશ દાઝનો જુવાળ જાગ્યો છે ત્યારે ભાવનગરમાં પણ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ નિહાળવા હવે રીતસરની લાઇનો જોવા મળી રહી છે. બીજી બાજુ આ મુવીને પ્રમોટ કરવા સંસ્થાઓ, વેપારીઓ, યુનિયનો વિગેરે આગળ આવી રહ્યા છે.
બાળકથી માંડી વડીલ સહિત સૌ કોઇ આ ફિલ્મ થિયેટરમાં જોવા તે માટે વેપારી વર્ગથી લઇ વિવિધ સંગઠનો અવનવી આકર્ષીત યોજનાઓ મુકી કોઇ ને કોઇ રીતે આ ફિલ્મ નિહાળવા લોકોને થિયેટર સુધી લાવવા યથાશક્તિ રૂપે પ્રયાસ કરી દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પિક્ચર થિયેટરમાં નિહાળ્યા બાદ ટીકીટ રજૂ કર્યેથી વેપારીઓએ કન્સેશન આપવાની ઓફર કરી છે. તો કોઇકે મફત ચા પીવડાવવા કોલ આપ્યો છે. આમ, જન જન સુધી આ ફિલ્મ પહોંચાડવા એક મિશન શરૂ થયું છે. ખાસ કરીને કશ્મીરી પંડીતોની વ્યથા-કથા રજૂ કરતું આ મુવી લોકો સુધી પહોંચે તે માટે હિન્દુત્વનું મોજુ ફરી વળ્યું છે.