પાલીતાણા પાસે કુંભણ નજીક મંદબુદ્ધિના વિકલાંગજનો વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

80

ઉત્સવ અને ઉજવણીએ માનવ જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલ છે. માનવજીવનના એકધારા રગશિયા ગાડાની તરીકે જીવાતા જીવનમાં ઉત્સવો એક અનેરો આનંદ અને ઉત્સાહ લાવવાનું કાર્ય કરે છે. આનંદ સૌને ગમતું તત્વ છે. તેમાં મંદબુદ્ધિના અને વિકલાંગ વ્યક્તિઓ પણ બાકાત નથી. પર્વની ઉજવણી તેમનામાં પણ એક આનંદ ભરે છે અને તેમના જીવનમાં રહેલી ખાલીપ, ઉદાસીને દૂર કરી તેમનું મન પ્રફુલ્લિત કરે છે. આવા ઉમદા હેતુ સાથે પાલીતાણાના કુંભણ ખાતે આવેલ માનવ પરિવાર સેવા દ્વારા સંસ્થામાં રહેલા ૯૬ મંદબુદ્ધિના વ્યક્તિઓ માટે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માનવ પરિવાર સંસ્થા મંદબુદ્ધિ વિકલાંગ માટે કામ કરતી સંસ્થા છે જે વિવિધ પર્વોની ઉજવણી કરીને સંસ્થામાં રહેલાં મંદબુદ્ધિના વ્યક્તિઓ માટે ખુશીનો અવસર, ઉજવણીનો અવસર લઈ આવે છે. આ સંસ્થામાં હોળી ધૂળેટી પર્વની રંગ ઉડાવી અને ખજૂર દાળિયાની જ્યાફત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ રાજેશભાઈ કથીરિયા સાથે મંત્રી સંજયભાઈ વઘાસિયા અને ખજાનચી શૈલેષભાઈ પટેલના સંકલન સાથે સમાજમાંથી તરછોડાયેલા ૯૬ જેટલાં પુરુષ માનસિક વિકલાંગોની સેવા ચાકરી થઈ રહી છે. અહીં આરોગ્ય કાળજી સાથે આશ્રિતોનો નિર્વાહ પણ કરવામાં આવે છે. સંસ્થાના સંચાલનમાં રહેલા ગૌરવભાઈ જોષીના સંકલન સાથે આ ધુળેટી પર્વે માનસિક દિવ્યાંગોએ મોજ મસ્તી સાથે રંગ ઉત્સવ મનાવ્યો હતો. સંસ્થાની દેખરેખ, સેવા કાર્યમાં પ્રકાશભાઈ ગોસાઈ, ભરતભાઈ નાકરાણી સાથે વિપુલભાઈ ડાભી અને માવજીભાઈ ચુડાસમા કાર્યરત છે. માનવ પરિવાર સેવા સંસ્થામાં દાતાઓ, સમાજસેવકો દ્વારા વિવિધ તિથિ ભોજન, ઉજવણી વગેરે પ્રસંગો પર અહીં માનસિક વિકલાંગોની ભોજન સેવા થઈ રહી છે. સામાજિક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા આ સમાજસેવાની પ્રવૃત્તિમાં પૂરતો સહયોગ મળતો રહ્યો છે. આમ, સમાજમાંથી તરછોડાયેલા અને નિરાધાર એવાં માનસિક વિકલાંગ વ્યક્તિઓ વચ્ચે હોળી-ઘૂળેટી જેવા રંગોત્સવ પર્વની ઉજવણી સંસ્થામાં રહેલા ૯૬ માનસિક વિકલાંગ વ્યક્તિઓમાં ઊર્જાનો સંચાર કરવાં માટે નિમિત્ત બની હતી.

Previous articleપાલીતાણા મેળામાં બેભાન હાલતમાં મળેલા મહિલાની RMD હોસ્પિ. ખાતે આરોગ્ય મંત્રી દ્વારા મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા
Next articleસણોસરા ખાતે રૂ. ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણાધિન પાણી પુરવઠા યોજનાની ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી