રાજ્ય સરકાર દ્વારા ગામડાના દરેક ઘરને પીવાનું પાણી મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના સણોસરા ગામે ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ અંતર્ગત રૂ. ૨.૮૭ કરોડથી વધુના ખર્ચે પાણી પુરવઠા યોજના નિર્માણાધીન છે. સણોસરા ગામની આ યોજનાની કામગીરી સંદર્ભે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાએ મુલાકાત લીધી હતી અને માલસામાન ઉપયોગ સાથે મજબૂતીકરણ માટે તકેદારી રાખવા અનુરોધ કરી રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ અને ઘર- ઘર સુધી પીવાના પાણીની યોજના સંબંધી ચર્ચા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ’જળ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મંજૂર થયેલ આ યોજના પૈકી સિહોર તાલુકાના સણોસરા ગામ માટે રૂપિયા ૨,૮૭,૫૪,૧૧૬ મંજૂર થતાં કામગીરી પુરઝડપથી ચાલી રહી છે. સરપંચશ્રી હીરાભાઈ સાંબડે સણોસરા ગામની આ પાણી પુરવઠા યોજના પૂરતી ચોક્સાઈ સાથે થાય તે માટે સતત દેખરેખ રાખી રહ્યાં છે. ઉપસરપંચશ્રી બટુકભાઈ ડાભી અને સ્થાનિક સભ્યો અને અગ્રણીઓ પણ કામગીરી ઝડપથી અને અસરકારક તરીકે થાય તે માટે સતત કાર્યરત રહ્યાં છે.
ધારાસભ્યશ્રીની આ મુલાકાત દરમિયાન અગ્રણી મૂળજીભાઈ મિયાંણી અને અગ્રણીઓ જોડાયાં હતાં.