ભાવનગરના અધેવાડા ખાતે સ્થિત શિવકુંજ આશ્રમ ખાતે આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ

260

શિક્ષણ મંત્રીજીતુભાઈ વાઘાણી આજે ભાવનગરના અધેવાડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ ખાતે આયોજિત ૨૮ મી ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થયાં હતાં. સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિની ત્રિવેણી સમાન ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરને સંબોધતા તેમણે જણાવ્યું કે, ધર્મ અને આધ્યાત્મે પ્રબોધેલા શિક્ષણ અને સંસ્કારના એક તાંતણે આપણે સૌ બંધાયેલા છીએ. તેમણે કહ્યું કે, જીવન પરિવર્તનનો એક મોટો માર્ગ આધ્યાત્મ છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે તેની પ્રતીતિ થતી હોય છે. તેથી ધર્મનો છોછ ન રાખીને તે આપણાં માટે ગૌરવ અને સન્માનની વાત બને. સમાજ ઉત્થાન અને સમાજ ઉન્નતિ તથા જીવનના વિકાસ માટે સંતો જે તપશ્ચર્યા કરી રહ્યાં છે તે બેમિસાલ છે. ધર્મનો ધ્વજ ઉપર રહે અને આપણે સૌ તેના છત્ર નીચે સુખ અને શાંતિ અનુભવી શકીએ તે ખરી આધ્યાત્મિકતા છે.

આ શિબિર જાત્રા – યાત્રા થી થોડી પણ ઓછી નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત ભૂમિ એ તપ અને તપશ્ચર્યા ભૂમિ છે. સત્કાર્યોમાં ભગવાન હંમેશા સહકાર આપે છે અને તેથી જ આવી શિબિરોમાં આપણને મજા આવતી હોય છે. કર્મના સિદ્ધાંતો, નીતિ અને અનીતિ, ધર્મ અને અધર્મ, સત્‌ અને અસત્‌ વગેરેના ભેદના સંસ્કારો ધાર્મિક સત્સંગથી આવતાં હોય છે. શુભ નિષ્ઠાથી કરેલું કાર્ય કોઈ દિવસ એળે જતું નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના કાળમાં ભગવાન શું છે તેનું આપણને જ્ઞાન લાધ્યું છે. ભગવાને એક ક્ષણમાં શીખવાડ્યું કે તે દુનિયાને એક ક્ષણમાં નશ્વર બનાવી શકે છે.આવી શિબિરો માત્ર આધ્યાત્મિક ન બની રહેતાં સમાજ માટે પણ ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે છતાં અધ્યાત્મે જે ઊંચાઈ હાંસલ કરી છે તે વિજ્ઞાન દ્વારા હાંસલ કરી શકાય નથી તે વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી રહી તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.મંત્રીશ્રીએ જણાવ્યું કે,શિવકુંજ આશ્રમના સીતારામ બાપુ શ્રેષ્ઠ શિક્ષક તરીકે અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલાં છે અને તેમની તપ અને તપશ્ચર્યા તરીકે કરેલી સાધના અને પરિણામે આજે બંજર એવી જમીન આજે નંદનવન બની છે. તેઓ સારા ચિંતક અને કથાકાર છે અને હંમેશા વ્હાલ અને વાત્સલ્ય વરસાવતાં રહે છે. આપણું સૌભાગ્ય છે કે તેમણે ભાવનગરની ધરા પર તેમની ધૂણી ધખાવી છે.
આ આધ્યાત્મિક શિબિરમાં કલેકટરશ્રી યોગેશ નિરગુડે, પ્રો.બલભદ્રસિંહ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શિશિરભાઈ, ધર્મેન્દ્રભાઈ મહેતા,કિશોરભાઈ ભટ્ટ, ભાવેશભાઈ દવે, સાધુ- સંતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગ્રીષ્મ ઋતુના આરંભે રવિ સિઝનનો ‘લાણી’ ઉત્સવ