સ્કૂલો દ્વારા પ્રિન્ટ કાઢીને ફોટા-સિક્કા મારવાની કામગીરી શરૂ કરાઈ : રાજ્યમાં કુલ ૧૪,૯૮,૪૩૦ પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આગામી ૨૮ માર્ચના રોજ પ્રારંભ થવા જઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ હવે હોલ ટિકિટની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ ઓનલાઇન મુકાઇ ગઇ છે. વિદ્યાર્થીઓ ઓનાલાઇન પોતાનો બેઠક ક્રમાંક અને સ્થળ જોઇ શકશે મહત્વનુ છે કે શાળા દ્વારા હોલ ટિકિટ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્કૂલો પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોટા અને સિક્કા મારવાની કામગીરી શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે પરીક્ષા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવશે. આગામી તા. ૨૮ માર્ચથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૯૫૮ કેન્દ્રો પર ૯,૬૪,૫૨૯ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૪૦ કેન્દ્રો પર ૧,૦૮,૦૬૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા.૨૮ માર્ચથી શરૂ થનાર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫૨૭ કેન્દ્રો પર ૪,૨૫,૮૩૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ ૧૪,૯૮,૪૩૦ પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકારે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે તેમ જણાવી મંત્રીએ રાજ્ય સરકાર વતી લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી હતી.