૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના બાળકોની રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે જ અનોખી સિદ્ધિ
કોરોના જેવી મહામારી સામે જીતવાં માટે રસીકરણ ખૂબ જ અગત્યનું અને અમોઘ શસ્ત્ર છે. કેન્દ્ર સરકારના પ્રયત્નોથી અને રાજ્ય સરકારના સહકાર સાથે અગાઉ પણ કોરોના વિરોધી રસીના અભિયાન ચલાવી સમાજના મોટાભાગના લોકોને કોરોના સામે સંરક્ષિત કરવામાં આવ્યાં છે.આજથી હવે ૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોર્બોવેક્સની રસીથી સંરક્ષિત કરવાં માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગરના જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રએ તેમાં સક્રિય રહીને કામગીરી બજાવી છે.આજે શરૂ થયેલા ૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને રસી આપવામાં લીડ લેતાં હોય તેમ ભાવનગરની ટાણા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ શાળાના રસી લેવાની પાત્રતા ધરાવતાં ૧૦૦ માંથી ૯૮ વિદ્યાર્થીઓએ રસી લઇને સમાજ સામે અનોખું ઉદાહરણ પૂરું પાડીને એક અનોખી સિધ્ધિ મેળવી છે. આપણે કોરોનાની મહામારીની પરાકાષ્ટા જોઈ ચૂક્યાં છીએ. આપણે કોરોનાની ત્રીજી લહેરને કારણે જ વધુ નુકસાન થતું અટકાવી શક્યા છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સતત પ્રયત્નોને લીધે હવે ૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના બાળકોને પણ આવરી લઈને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ બાળકોએ કોરોના અંગે જાગૃતિ લાવવાં માટે પેઇન્ટીંગ અને સ્લોગન રાઇટીંગ કરીને કોરોના રસીકરણ કરાવવાં માટે સમાજને હાકલ કરી હતી. ૧૦૦ માંથી ૯૮ બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકશ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.