મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે.
પુષ્પદંતઃ જે હાથી નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય તેને પુષ્પદંત કુળના સમજવા.
સાર્વભૌમઃ લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટા મૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી સર્વભૌમ કુળના કહેવાય છે.
સુપ્રતીકઃ જેની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણઃસર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે.
ગુણ ઉપરથી હાથી બાર જાતના છેઃ તેમાંથી થોડાઓનાં લક્ષણ આ પ્રમાણે છેઃ ૧. રમ્ય પ્રમાણસર વિબાગયુક્ત અવયવવાળો, પુષ્ટ, સુંદરદંતવાળો, અતિમહાન, તેજસ્વી હાથી રમ્ય કહેવાય છે આ હાથી સંપત્તિ વધારનારો છે.
૨. ભીમ અંકુશના પ્રકારથી જે ડરતો નથી એ ભીમ કહેવાય છે. તે રાજાના સર્વ અર્થનો સાધક છે. ૩. ધ્વજ સૂંઢના અગ્રભાગથી પૂંછડા પર્યંત જેને રેખા હોય તેને ધ્વજ કહે છે. તે સામ્રાજ્ય અને પ્રાણને આપનારા છે. ૪. અધીર જેના લમણાં સરખાં પણ કર્કશ હોય તથા તેના ઉપર રૂંવાડાંવાળા ગુચ્છ હોય તે અધીર કહેવાય છે. તે રાજાઓનો નાશ કરનાર છે. ૫. વીર જેના પૃષ્ઠથી નાભિ સુધી રૂંવાડાંનું ગુચ્છ હોય, પુષ્ટ શરીરવાળો તથા બળવાન હોય તેને વીર કહે છે. તે રાજાઓને ઇષ્ટપ્રદ છે. ૬. શૂરમોટા કદનો પુષ્ટ અંગવાળો, સુંદર દાંત તથા લમણાવાળો, ખાતાં ખાતાં થાકી જાય તેવો હાથી શૂર કહેવય છે. તે લક્ષ્મીનો વર્ધક છે. ૭. અષ્ટમંગલ દાંત, પુચ્છ, રેખા અઆને નખ સ્વચ્છ શ્વેત હોય તે અષ્ટમંગળ કહેવાય છે. આ હાથી જેને હોય તે સર્વ પૃથ્વીનો માલિક થાય છે. ૮. સુનંદ ૯. સર્વતોભદ્ર ૧૦. સ્થિર ૧૧. ગંભીરવેદી ૧૨. વરારોહ
આ સિવાય હાથીના બીજા ચાર પ્રકાર તેની ઊંચાઈ ઊપરથી પણ પડે છેઃ ૧. સંકીર્ણ જે હાથી છ હાથ ઊંચો હોય તે સંકીર્ણ જાતિનો કહેવાય છે. ૨. મંદ જે હાથી સાત હાથ ઊંચો હોય તે મંદ જાતિનો સમજવો. ૩. મૃગ જે હાથી આટ હાથ ઊંચો હોય તે મૃગ જાતિનો કહેવાય છે. ૪. ભદ્રજાતિ નવ હાથ ઊંચો હાથી ભદ્રજાતિનો હાથી કહેવાય છે. એ ભદ્રજાતિનો હાથી સર્વ જાતિઓના હાથીમાં ઉત્તમ જાતિનો હાથી કહેવાય છે.
હાથીના શણગારનાં તેમ જ તેને અંકુશમાં રાખવા માટે જુદાં જુદાં સાધન વપરાય છે અને તેમનાં ખાસ નામ હોય છેઃ કિલાબો-સૂતરના હારડાનું બનેલું દોરડું. તે હાથીના ગળામાં નાકીને તેની અંદર મહાવત બંને પગ રાખી, હાથીને અંકુશમાં રાખી પગથી ચલાવે છે. ઝૂલ-હાથીના ઉપર નાખવાનું ગજીનું અથવા ચોળિયાનું કપડું. નમદો-ઝૂલ નીચે નાખવામાં આવતું બનાતનું ગાદલું. આસનગાદી-મહાવતને હાથી ઉપર બેસાવની ઇલાયદી રૂની ગાદલી. જોઠો-હાથને બંને પડખે ચામડામાં બાંધીને લટકાવવામાં આવતા ટોકરા. પેટકશીનું નાડું-હાથીના પેટ ઉપર, ગળામાં અને પૂછડામાં થઈને બાંધવામાં આવતું નાડું. ઝેલો-ઘૂઘરમાળઃગળામાં પહેરાવાની ષ્ટોરીઓ તથા ઘૂઘરીઓ. ચૂડ-હાથીના દંતશૂળમાં પહેરાવાતાં પિત્તળનાં બલોયાં. હાથીની સવારી વખતે સાજ સજાવવા માટે વપરાતાં સાધનઃ ગાદી-હોદ્દા નીચે નખાતી પરાળ ભરેલી ગાદલી. ઝૂલ-હાથી ઉપર નાખવાનું કસબી ભરેલ મખમલનું કપડું. હોદ્દો-હાથી ઉપર રાજાઓ વગેરેને બેસવા માટે બનાવેલી સોના કે રૂપાની બેઠક. આ બેઠકમાં માથે છત્રીવાળી માત્ર સોનાની બનાવટની બેઠક. લવનું નાડું-હોદ્દાને કસીને બાંધવાનું દોરડું. સારબંધ-ચાલુ સવારીમાં હોદ્દો કે અંબાડી એક તરફ નમી હોય ત્યારે તે સરખું કરવા માટે હોદ્દોકે અંબાડીની સાથે બાંધવામાં આવતું દોરડું. સ્તરી-શોભા માટે કપાળ ઉપર રાખવામાં આવતું ઝીક ભરેલ મખમલ. તેને મથરાવટી પણ કહે છે. કલગી-હાથીના માથા ઉપર શોભા માટે રખાતો રૂપાનો કે સોનાનો સાવજ કે મોર. હુલર-ચાંદીનાં પતરાં, ઘૂઘરા વગેરેનો બનાવેલો ગળામાં પહેરવાનો એક શણગાર. ડૂમચી-પૂંછડામાં પરોવીને હોદ્દા સાથે બાંધવામાં આવતું દોરડું. તેને ચાંદીની ખોળ ચડાવેલી હોય છે. તોડો-હાથીને પગે પહેરાવવાનું સોના કે ચાંદીનું સાંકળું. મવાલો-શોભા માટે દાંતમાં પહેરાવવાનો સોના કે ચાંદીનો ખોભળો; ચૂડી. લછો-ચાંદીની મોતી જેવી ગોળીઓ બનાવીને લાંબી હારમાં પરોવીને હાથીના કાન ઉપર લટકતો રાખવાનો એક શણગાર. હાથીને અંકુશમાં રાખવાનાં સાધનઃ આંકડ-લોખંડનું બનાવેલું ભાલા જેવું એક હથિયાર; અંકુશ. ગજબાગ-એક જાતનું મોટું અંકુશ. તે કડીવાળું હોય છે. પોંચી-હાથી તોફાન કરે ત્યારે જ પાછલા પગ ઉપર બાંધવામાં આવતું એક જાતનું લોખંડનું કાંટાવાળું હથિયાર. ભાલું-વાંસમાં લોખંડનું અણીવાળું ભાલું નાખીને બનાવેલું એક જાતનું અંકુશ. ચીમટો-હાથીના તોફાન વખતે હાથીના પગમાં ચડાવવામાં આવતું, લોખંડનું બનાવેલું એક હથિયાર; કાંટાવાળો ચીપીઓ. કંઠી-હાથી જ્યારે બહુ તોફાન કરતો હોય, ત્યારે લોખંડનું બનાવેલું ગોખરુ જેવા મોટા લોખંડના અણીદાર કાંટા બનાવેલા હોય છે. તે ગળામાં આવવાથી હાથી જમણી કે ડાબી બાજુ ગળું ફેરવી શકતો નથી કારણ કે તેને કાંટા વાગે છે અને તે સીધી નજર જ રાખી શકે છે.
હાથીસાંકળ-હાથીને પાછલે પગે તથા આગલે પગે બાંધવામાં આવતી લોઢાની જાડી સાંકળ. બેડી-હાથીના આગલા બંને પગોમાં પહેરાવાતી લોઢાની સાંકળ. હાથીને ત્રણ ચાર કલાક કે વધુ વખત કોઇ વાર બહાર ઊભો રાખવો હોય, તો તેનો ઉપયોગ થાય છે. આ સાંકળ એટલે કે બેડી બાંધવાથી ઘોડાની ડામણ જેવું થઈ જાય છે. ફંદાબેડી-લોઢાની બનાવેલી એક જાતની જાડી અને મજબૂત સાંકળ. તેનો ઉપયોગ હાથીને બહારગામ લઈ જતાં કે લાવતાં હાથી ભાગી જઈ શકે નહિ એટલા માટે આગલા બંને પગોમાં આંટી નાખીને બાંધવામાં આવે છે. આ ફંદાબેડી હાથીને પગમાં બાંધવાથી હાથી એક પણ ડગલું ચાલી શકતો નથી. ડગબેડી-સાંકળઃ હાથીને પગે બાંધવામાં આવતી સાંકળ. લંગર-સાંકળઃ ડગબેડી. ગોખરુ-પોંચી હાથી તોફાન કરે ત્યારે વપરાતું હથિયાર. ઝૂડો-ટોકરોઃ હાથીને મળે બાંધવાનો ટોકરો.
હાથીને માટે ઘણું કરીને આ શબ્દો વધુ વપરાય છેઃ બૈઠ-ભઇટ; બેસારવા માટેનો શબ્દ. મલ-ઉઠાડતી વખતે શબ્દ. સૂતેલ અથવા બેઠેલ હાથીને ઉઠાડવા વપરાય છે. તોલ-પાછળનો પગ ઊંચો કરાવવા વપરાતો શબ્દ. હલો-આગલો પગ ઊંચો કરાવવા માટે વપરાતો શબ્દ. તીરે-હાથીને સુવડાવવા માટે વપરાતો શબ્દ. દલે-હાથીને પાણી પાવા વપરાતો શબ્દ. ઝુક-આગળના બે પગથી ઝુકાવવાનો શબ્દ. અગત-હાથીને આગળ ચલાવવા માટે વપરાતો શબ્દ. તે સાથે પગનો ઇશારો પણ વપરાય છે. ચૈઈ-ડાબી કે જમણી બાજુ વળતી વખતે વપરાતો શબ્દ. ચૈ-પડખે ચાલ, બાજુમાં લેવા માટે વપરાતો શબ્દ. પીછે ધત-પાછળ હટાવવા માટે વપરાતો શબ્દ. ધર-હાથીને ખવરાવવા માટે વપરાતો શબ્દ. સમ-હાથીને સીધો ઊભો રાખવા માટે વપરાતો શબ્દ. લગૂત-હાથીને કોઇને મારવાનું કહેતાં વપરાતો શબ્દ. ભીરે-મારતો અટક; મારવા આવતો અટકાવવા વપરાતો શબ્દ. તાર-સલામ કરઃ હાથીને સાલમ કરાવવા માટે વપરાતો શબ્દ.
છત્તીસગઢના પ્રતાપપુર વિસ્તારના લોકોને એક વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓનો ત્રાસ હોવાથી કોઈ મા-બાપ તેમની દીકરીઓને આ વિસ્તારમાં પરણાવતા નથી. છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં આવેલા પ્રતાપપુર વિસ્તારમાં છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી હાથીઓનો ત્રાસ વધ્યો છે. ૧૦-૧૫ ગામડાંઓમાં હાથીઓ હાહાકાર મચાવી રહ્યા છે. પ્રતાપપુર વિસ્તારમાં દીકરીના લગ્ન થશે તો તેને પણ હાથીના ત્રાસનો સામનો કરવો પડશે. તેના કારણે પ્રતાપપુરના યુવાનોના લગ્ન થતા નથી. પ્રતાપપુરના યુવાનો સાથે લગ્ન થાય તો પણ એ વિસ્તારને બદલે કોઈ શહેરમાં કે સૂરજપુરમાં રહેવાની શરત સાથે જ મા-બાપ દીકરીના લગ્ન કરાવે છે. આ વિસ્તારમાં ગમે ત્યારે ગામડાંમાં હાથીઓનું ટોળું ત્રાટકે છે અને બધું ખેદાન-મેદાન કરી નાખે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકોનાં મોત પણ થાય છે. ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન છત્તીસગઢમાં હાથીઓના હુમલામાં ૨૦૪ લોકોનાં મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ રાજ્યમાં હાથીઓના હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા.
લાગે છે કે પ્રતાપપુર પંથકમાં પરણવા આડે રોડા નાંખવાર હાથી પુરૂષ છે, જે ખુદ પરણેલા છે અને પરણવાના પ્રચંડ પરિણામો ભોગવી રહ્યા છે. શક્ય છે કે હાથણીપીડીત હાથી સંધના સક્રિય સભ્ય હોય અને લોકોને લગ્નના પરિણામે ઉત્પન્ન થતી દુવિધા અને પીડા પ્રરત્વે ચેતવણી આપતા હોય!! જય હો ઐરાવત કા!!
– ભરત વૈષ્ણવ
Home Vanchan Vishesh છતીસગઢના પ્રતાપપુર પંથકમાં પરણવા થનગનતા પામરોને લગ્નજીવનના પરિણામો માટે હાથીના ઝુંડ સાવચેત...