બિરેન સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા : બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-નિરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા
નવી દિલ્હી, તા.૨૦
મણિપુરમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બાદ આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. મણિપુરમાં સીએમને લઈને ચાલી રહેલ સસ્પેંસને ભાજપ હાઈકમાન્ડે ખતમ કરીને બિરેન સિંહના નામની જાહેરાત કરી દીધી છે. બીરેન સિંહ જ મણિપુરમાં ભાજપા ધારાસભ્ય દળના આગામી નેતા હશે. મણિપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક બાદ એન બિરેન સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે બિરેન સિંહ સતત બીજી વખત મણિપુરની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મણિપુરમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-નિરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તમામની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુનિશ્ચિત કરશે કે મણિપુરમાં સ્થિર અને જવાબદાર સરકાર છે. કેન્દ્ર સરકારમાં આજે પીએમ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર રાજ્યો પર વિશેષ ધ્યાન છે. ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપે જંગી જીત મેળવી છે. ૬૦ વિધાનસભા બેઠકો પર ભાજપે ૩૨ બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. તમને યાદ અપાવી દઈએ કે મણિપુરમાં મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેતા પહેલા એન બીરેન સિંહ અને વિશ્વજીત સિંહને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે, ભાજપાએ એન બીરેન સિંહને ધારાસભ્ય પદના નેતા તરીકે પસંદગી કરી લીધી છે. પરંતુ બન્ને નેતાઓને દિલ્હી બોલાવ્યા બાદ તેના પર સસ્પેંસ બનેલું હતું. બીરેન સિંહને દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ૧૫ માર્ચે બીરેન સિંહ, વિશ્વજીત સિંહ અને શારદા દેવી દિલ્હી આવ્યા હતા. ત્યારથી મણિપુરમાં સીએમ રેસ દિલસ્પર્શ બની ગઈ હતી અને નિર્ણય ભાજપા સંસદીય બોર્ડના પક્ષમાં આવ્યો હતો. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળી અને પાર્ટી બહુમતીથી ચૂકી ગઈ હતી. ભાજપ ૨૦૧૭માં ૨૧ બેઠકો જીતી શકી હતી. એનપીપી અને એનપીએફના સમર્થનથી ભાજપે રાજ્યમાં સરકાર બનાવી હતી. પરંતુ ૨૦૨૨માં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું. આ સાથે જ રાજ્યમાં કોંગ્રેસનો વ્યાપ સંકોચાઈ રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર આઠ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.