દેશમાં ૩૧૯૬ લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને હવે ૨૬,૨૪૦ થઈ ગઈ છે
નવી દિલ્હી, તા.૨૦
દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧,૭૬૧ નવા મામલા નોંધાયા છે અને ૧૨૭ લોકોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૨,૦૭૫ નવા કેસ નોંધાયા હતા અને ૭૧ સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪,૩૦,૦૭,૮૪૧ મામલા સામે આવી ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ૩૧૯૬ લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને ૨૬,૨૪૦ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૧૫,૪૭૯ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૨૪,૬૫,૧૨૨ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૧, ૨૭,૧૧,૬૭૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૫,૩૪,૪૪૪ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.