આંબલા ખાતે રામકિશોરદાસજીક મહારાજની નિર્વાણતીથિ નિમિત્તે ધર્મસભા યોજાઈ
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામ પાસે આવેલ શ્રી વાંકિયા હનુમાનજી જગ્યામાં રામકિશોરદાસજી મહારાજની 14મી નિર્વાણતીથિ પ્રસંગે ગાદીપતિ રઘુનંદનદાસ બાપુ (રવુબાપુ)ના નેતૃત્વ સાથે સંતો, મહંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન થયું હતું. આંબલા પાસે શ્રી વાંકિયા હનુમાનજી જગ્યામાં રામકિશોરદાસજી મહારાજની નિર્વાણતીથિ નિમિત્તે રઘુનંદનદાસ બાપુના નેતૃત્વમાં યોજાયેલ ધર્મસભામાં આત્માનંદ સરસ્વતીજી મહારાજે અધ્યક્ષ સ્થાને રહી જણાવ્યું હતું કે, પોતાની જાતને ભૂલશો તો જ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે ભલું થઈ શકે. આ માટે સાધુ સંતોનો સંપર્ક જાળવી રાખવો અનિવાર્ય છે.
આંબલા પાસે શ્રી વાંકિયા હનુમાનજી જગ્યામાં હનુમાનદાસબાપુના સાનિધ્યમાં યોજાયેલ ધર્મસભામાં અધ્યક્ષસ્થાને રહેલા જાણિતા રાષ્ટ્રવાદી વક્તા આત્માનંદ સરસ્વતીજીએ શિક્ષણ સાથે માત્ર શિક્ષિત નહિ દીક્ષિત થવા પર ભાર મુક્યો. પોતાની જાતને ભૂલશો તો જ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે ભલું થઈ શકે. આ માટે સાધુ સંતોનો સંપર્ક જાળવી રાખવા સાથે સંવેદના રાખવા શીખ આપી. તેઓએ મહિલા સશક્તિકરણ સાથે માતાપિતાની સેવાને પ્રથમ લક્ષ્ય આપવા ટકોર કરી.
આ ધર્મસભા પ્રારંભે કથાકાર વિષ્ણુદાસ દાણીધારિયાએ કહ્યું કે આપણે જન્મદિવસ ઉજવીયે છીએ જ્યારે સંતોની વિદાય થાય તો પણ તેની નિર્વાણતીથિ ઉજવે છે. તેઓએ પાશ્ચાત્ય અસરમાં આપણે જન્મદિવસે દિપક ઓળવીએ છીએ તે અપશુકન ગણાવ્યા. અહીંયા મહામંડલેશ્વર રમઝુબાપુ, ઝીણારામજી બાપુ, રામદાસબાપુ ઓલિયા તથા રામમનોહરદાસબાપુ દ્વારા સત્સંગ ઉદબોધન થયેલ. મહંતબાપુ, ભરતદાસબાપુ, લક્ષ્મણદાસબાપુ, અમરદાસબાપુ સહિત નાની મોટી જગ્યાના સંતો મહંતોની ઉપસ્થિતિ રહ્યા હતા,નરેશભાઈ મહેતાના સંચાલન સાથે મુનાબાપુ તથા ગોપાલભાઈ દવેના સંકલન સાથેના આયોજનમાં અગ્રણીઓ મેહુરભાઈ લવતુકા, પેથાભાઈ આહીર, ભરતસિંહ ગોહિલ ઉપરાંત આજુબાજુના અગ્રણીઓ સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.