લોકરક્ષકની પરીક્ષા પાસ કરાવવા અને ઇચ્છીત પોસ્ટીંગ અપાવવા ૨ લાખમાં સોદો થયો હતો, ૧૫ હજારનો હપ્તો લેવા જતા એસીબીએ રંગે હાથ પકડ્યો
લોક રક્ષક દળ (એલઆરડી)મા નોકરી અપાવવાનુ કહીને ભાવનગર પશુપાલન વિભાગના સસ્પેન્ડેડ નિયામક દ્વારા બે લાખ રૂપિયાની લાંચ માગી ૧૫ હજાર રૂપિયા લેવા જતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. ગાંધીનગરમાં સેક્ટર ૬ના યોગી બસ સ્ટેન્ડ પાસે નાણાં લેતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમા જ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકદળની પરીક્ષા લેવામા આવી છે. જેમાં એક ઉમેદવારને શારીરિક, લેખિત અને પોતાના જિલ્લામાં જ પોસ્ટીગ અપાવવાનુ કહીને ભાવનગરમાંથી સસ્પેન્ડ થયેલા મદદનીશ નિયામક પશુપાલન વેટરનીટી પોલીકલીનિક ડૉ. શશીકાંન્ત ડાહ્યાલાલ પટેલ (રહે, મહેસાણા) દ્વારા બે લાંખની માંગણી કરાઈ હતી. ગાંધીનગર એસીબીના પીઆઇ એસ.ડી.ચૌધરી દ્વારા છટકુ ગોઠવવામા આવ્યુ હતુ. જેને લઇને આરોપીને શહેરના સેક્ટર ૬મા આવેલા યોગી બસ સ્ટેન્ડ પાસે બોલાવવામા આવ્યો હતો. જ્યાં બે લાંખની રકમને ટુકડે ટુકડે આપવાનુ નક્કી કર્યુ હતુ. જેમા લેખિત પરીક્ષા પહેલા ૨૦ હજાર મગાયા બાદ અંતે ૧૫ હજાર આપવાનુ નક્કી કર્યુ હતુ ત્યારે ફરિયાદી દ્વારા વાતચિત કર્યા બાદ રૂપિયા ૧૫ હજાર આપતાની સાથે જ એસીબીની ટીમે સસ્પેન્ડેડ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
નિયમ ઉપરવટ જઇ ચેક ઇશ્યુ કરી ગેરરીતિ આચરી ચુક્યો છે સસ્પેન્ડેડ નિયામક પટેલ
લાંચ લેતા ઝડપાયેલો આરોપી ડૉ. શશીકાંત પટેલ ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડમા ફરજ બજાવતા હતા. તે સમયે ગૌચર સુધારણા હેઠળ અલગ અલગ યોજનાઓ બહાર પડાઈ હતી. જેમા રાજ્યની ૮૭ ગ્રામ પંચાયતો અને ૧૩ ટ્રસ્ટમાંથી સહાય અરજીઓ મંજુર કરવાની સત્તા ચેરમેન અને સભ્ય સચિવને માત્ર ૫ લાખની સત્તા ખર્ચ મંજુર કરવાની આપી હતી. તે સિવાયના બોર્ડમા નાણાં મંજુર કરવાની સત્તા ચેરમેન, સભ્ય સચિવની પૂર્વ મંજુરી વિના કરી શકાય નહિ. પરંતુ શશીકાંત પટેલે પૂર્વ મંજૂરી વિના કાર્યક્ષેત્ર બહાર જઇને ૧૦,૧૫,૯૦,૯૧૦ કરોડની સહાય પોતાની સહિથી ચેક ઇશ્યુ કરી સત્તાનો દુર ઉપયોગ કર્યો હતો. તેથી સસ્પેન્ડ થયો હતો, આમ ગેરરીતિ આચરવામાં પહેલેથી પાવરફુલ હોવાનું મનાય છે!