ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો

274

પેટ્રોલ-ડીઝલ બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો, અમદાવાદમાં જૂની કિંમત ૯૦૬.૫૦ રૂપિયા હતી, નવો ભાવ ૯૫૬.૫૦ રૂપિયા થયો છે, દિલ્હીમાં ૮૯૯.૫૦ રૂપિયાથી વધીને ૯૪૯.૫ રૂપિયા થયો
નવી દિલ્હી, તા.૨૨
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના રેટ ૬ ઓક્ટોબર ૨૦૨૧ બાદ વધ્યા છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૯૯.૫૦ રૂપિયાથી વધીને ૯૪૯.૫ રૂપિયા થઈ ગયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તમે જો મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે ૯૪૯.૫૦ રૂપિયા આપવા પડશે. જ્યારે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદશો તો તમારે ૯૭૬ રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૨૬ રૂપિયા હતો. આ ઉપરાંત ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૯૧૫.૫૦ રૂપિયાથી વધીને ૯૬૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૩૮ રૂપિયાથી વધીને ૯૮૭.૫૦ રૂપિયા થયો છે. જ્યારે બિહારના પટણામાં એક ઘરેલુ એલપીજી સિલિન્ડર હવે તમને ૧૦૩૯.૫૦ રૂપિયામાં મળશે. જે પહેલા ૯૯૮ રૂપિયાનો હતો. અમદાવાદમાં પણ આજથી એલપીજીની સિલિન્ડરની કિંમત વધી છે. ગેસની કિંમતમાં આજે ૫૦ રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં જૂની કિંમત ૯૦૬.૫૦ રૂપિયા હતી. નવો ભાવ ૯૫૬.૫૦ રૂપિયા થયો છે. રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે, રસોઈ ગેસની વધી રહેલી કિંમત અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલપીજી સિલિન્ડર પર સરકાર બે પક્ષ લઈ શકે છે. પ્રથમ વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર સબસિડી વગરના સિલિન્ડર આપતી રહે. બીજી વિકલ્પ એવો હોઈ શકે કે સરકાર અમુક લોકોને સબસિડીનો લાભ પણ આપે. સબસિડી આપવા અંગે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. અત્યારસુધી મળેલી જાણકારી પ્રમાણે ૧૦ લાખ રૂપિયા આવકનો નિયમ રહેશે, તેમજ ઉજ્જવાલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. એટલે કે આ સિવાયના અન્ય લોકો માટે ગેસની સબસિડી સમાપ્ત થઈ શકે છે. પાછલા અનેક મહિનાઓથી સરકારે એલપીજી સિલિન્ડર પર સબસિડી બંધ કરી દીધી છે. વર્ષ ૨૦૨૧ દરમિયાન સરકારે સબસિડી પર ૩,૫૫૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન સરકારે ૨૪,૪૬૮ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવી હતી. સિલિન્ડરની કિંમતમાં ૧૦૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત પર કરવામાં આવ્યો હતો.

Previous articleકોરોનાની નવી લહેરની ભારતમાં વધુ અસર નહીં થાય
Next articleટીએમસીના નેતાની હત્યા બાદ ભડકેલી હિંસામાં ૧૦નાં મોત