દારૂ પીવા મામલે થયેલ ઝગડામાં પોલાની હત્યા કરનાર જીગામામાને આજીવન કેદ

84

બે વર્ષ પૂર્વેના બનાવના કેસનો ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આપેલો ચુકાદો : રૂા.૭૫ હજારનો દંડ
શહેરના કરચલીયા પરા પ્રેસ રોડ પર બે વર્ષ પૂર્વે રાત્રીના સમયે યુવાનની થયેલ હત્યાનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવી જજે આજીવન કેદની સદા તથા રૂપીયા ૭૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે મદદગારી કરનાર બાળ કિશોર સામે કેસ ચલાવવાનો બાકી રખાયો છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૨-૧-૨૦૨૦ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે રૂવાપરી રોડ ઉલ્લાસ ચોકમાં રહેતા પ્રવિણ ઉર્ફે પોલો છગનભાઈ ચુડાસમા પોતાનું બાઈક લઈ પ્રેસ રોડ પર ગંગા વોટર સપ્લાયના પ્લાન્ટ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન જીગર ઉર્ફે જીગામામા ધીરૂભાઈ બાંભણીયા એક સગીર એકટીવા લઈને આવેલા અને પ્રવિણને રોકી ૩૧ ડિસેમ્બરે દારૂ પીવા બાબતે થયેલ ઝગડાની દાઝ રાખી બોલાચાલી કરી જીગરે પ્રવિણને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.અને કિશોરે મદદગારી કરી બન્ને નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે દિનેશભાઈ છગનભાઈ ચુડાસમાએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જીગામામા તથા સગીર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે આઈપીસી ૩૦૨, ૫૦૪, ૧૧૪, તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરેલ. આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અગાઉના સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો આધાર પુરાવા ગ્રાહ્ય રાખી જીગર ઉર્ફે જીગામામાને કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂપીયા ૭૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર સામે કેસ ચલાવવાનો બાકી રખાયો છે.

Previous articleભાવનગરના શહિદ સ્મારક ખાતે પ્રે સ્કૂલના બાળકોએ ત્રણેય ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Next articleભાવનગરના વતની બે પોલીસ અધિકારી IPS માટે થશે નોમીનેટ