મુંબઇ,તા.૨૩
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ ૨૫ વર્ષની ઉંમરે અચાનક ટેનિસને અલવિદા કહી દીધું છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.બાર્ટીએ આજે સવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, “ટેનિસમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરવાનો આજનો દિવસ મારા માટે મુશ્કેલ અને ભાવનાત્મક દિવસ છે. મને ખબર ન હતી કે આ સમાચાર તમારી સાથે કેવી રીતે શેર કરું તેથી મેં મારા સારા મિત્ર કેસી ડીલુકાને મારી મદદ કરવા કહ્યું.. આ રમતે મને જે આપ્યું છે તેના માટે આભારી અને ગર્વ અનુભવું છું. આ પ્રવાસમાં મને સાથ આપનાર દરેકનો આભાર.” બાર્ટીએ તેની કારકિર્દીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. પહેલા તેણે ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપન જીતી હતી. આ પછી તેણે ૨૦૨૧માં વિમ્બલ્ડન અને ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. બાર્ટી યુએસ ઓપનમાં બે વખત (૨૦૧૮, ૨૦૧૯) ચોથા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. બાર્ટીએ તેની ટૂંકી કારકિર્દીમાં ૧૫ સિંગલ્સ અને ૧૨ ડબલ્સ ટાઇટલ જીત્યા હતા.
તે સતત ૧૧૪ અઠવાડિયા સુધી ટોચની ખેલાડી રહી. તે વિશ્વની ચોથી ખેલાડી છે જેણે સતત સૌથી વધુ દિવસો સુધી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
Home Entertainment Sports વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ ૨૫ વર્ષની વયે નિવૃતિની જાહેરાત...