ભાવનગરની યુથ હોસ્ટેલ દ્વારા “પોળોના જંગલમાં” બે દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

75

પ્રાચિન-અર્વાચીન કાળમાં ઐતિહાસિક મહત્તા ધરાવતા પોળો વિશે રસપ્રદ માહિતીથી ટ્રેકર્સ અવગત થયા
ભાવનગરની યુથ હોસ્ટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલા “પોળોના જંગલ”- પોલો ફોરેસ્ટ ખાતે બે દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી પ્રકૃતિપ્રેમીઓ તથા વન-વગડે ફરવાના શોખીનોએ અંતરના ઉંડાણમાં ધરબી દિધેલો શોખ કોરોનાના કાબુમાં આવતા ફરી એકવાર પ્રગટ કર્યો છે. બાળકથી લઈને વયોવૃદ્ધ સુધીનાઓને નવી પ્રેરણા સાથે કુદરતે બક્ષેલી સાહસ વૃત્તિને સહજ ખીલવવાનું ઉમદા કાર્ય કરતી ભાવનગરની જૂની અને જાણીતી સાહસિક પ્રવૃત્તિઓ એવમ પર્યાવરણ રક્ષણ કાજે મહત્વપૂર્ણ યોગદાન આપતી સંસ્થા યુથ હોસ્ટેલ દ્વારા સ્થાનિક સ્ટેટ તથા નેશનલ કક્ષાના ટ્રેકિંગ કમ એડવેન્ચર પ્રોગ્રામોનું આયોજન કરી રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા “પોળોના જંગલ”- પોલો ફોરેસ્ટ ખાતે યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા બે દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ઓફીસથી 30 થી વધુ મેમ્બરો સ્પેશ્યિલ બસ દ્વારા પોલો ફોરેસ્ટની સરહદે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી સમૃદ્ધ એવાં અંબિકા રીસોર્ટ ખાતે પહોંચ્યા હતા. ખાનગી રીસોર્ટમાં ઉતારા-જમવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. અત્રેના રીસોર્ટથી સ્થાનિક ગાઈડને સાથે રાખી ગૃપ લીડરો તથા ટ્રેકરોએ પોળોના જંગલોમાં પહાડો ઉપર ટ્રેકિંગ કર્યું હતું. તથા કુદરતી સંપદાથી સમૃદ્ધ એવા પોળોના જંગલની તથા પ્રાચિન-અર્વાચીન કાળમાં ઐતિહાસિક મહત્તા ધરાવતા પોળો વિશે રસપ્રદ માહિતી અને ઈતિહાસથી પ્રત્યેક ટ્રેકર્સ અવગત થયા હતાં. આ કાર્યક્રમમાં બાળક થી લઈને વૃદ્ધ સુધીની વયના ટ્રેકર્સ હોય દરેકને ખુબ સરસ-સુંદર રીતે ટીમ લીડર અને હિમાલય સહિત દેશના વિવિધ રાજ્યોમાં આવેલા અરણ્યોમા ભ્રમણ કરી પ્રાકૃતિક માહિતી ઓનો અખૂટ ભંડાર એકઠો કરનારા સિનિયર ટ્રેકર્સ અમરશી ધરાજીયાએ પ્રકૃતિના નિજાનંદ થી રૂબરૂ કરાવ્યા હતા. આ ટ્રેક દરમિયાન યુવા અને બાળ ટ્રેકરોને અમરશી ધરાજીયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ માનવ જાતને સુંદર જીવન કેવી રીતે જીવવું એ પાઠ ખૂબ સુંદર રીતે શિખવે છે, બસ પ્રકૃતિ પ્રત્યે રસ કેળવો એટલે કલાસ આપોઆપ શરૂ થઈ જશે. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરશી ધરાજીયા તથા સિહોરના યુવા ટ્રેકર મનિષ ગોહિલ સહિતનાઓએ માર્ગદર્શન સાથે વ્યવસ્થાઓ પુરી પાડી હતી.

Previous articleરશિયા ન્યૂક્લિયર શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે : દિમિત્રી
Next articleવર્લ્ડ ટીબી ડેના દિવસે ભાવનગરમાં ક્ષય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર