મુળ ગુજરાતી વતનપ્રેમી દાતાશ્રીઓએ બોટાદ જિલ્લા પોલીસના કુલ-૨૧ વડીલોને કાયમી દત્તક લીધા
“સેવા પરમો ધર્મ” એ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. સેવા અને સુરક્ષા સાથે મળે ત્યારે સહજ રીતે જ ખાખી વર્ધીધારી પ્રજાના સેવકો એવા પોલીસના જવાનો દ્રશ્યમાન થયા વિના ન જ રહે. પ્રજાની સુરક્ષા સાથોસાથ પોલીસ વિભાગ હંમેશા નાગરિકોની સેવા માટે પણ અગ્રેસર રહ્યો છે. પોલીસનો આવો જ એક અનેરો અભિગમ બોટાદ જિલ્લા પોલીસ છેલ્લા બે વર્ષથી ચલાવી રહી છે જેનું નામ છે “દાદા-દાદીના દોસ્ત” વડીલોની સુરક્ષા પણ કરવાની, સેવા પણ કરવાની અને એ પણ એક દોસ્ત બનીને. બોટાદના એસ.પી. હર્ષદ મહેતા દ્વારા સુરક્ષા સેતુ સઓસાયટી અંતર્ગત જિલ્લાના નિ:સહાય અને એકલા રહેતા વડીલો માટે આ “દાદા-દાદીના દોસ્ત” અભિયાન વર્ષ ૨૦૧૯ થી અમલી બનાવ્યુ છે જેમા એસ.પી. કચેરીએથી આ અભિયાનમાં નોંધણી થયેલ તમામ સીનીયર સીટીજન સાથે નિયમિત રીતે ટેલિફોનિક કાઉન્સેલીંગ, વડીલોની પોલીસની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત, આરોગ્ય વિભાગ સાથે મળી મેડીકલ ચકાસણી, વિવિધ સરકારી યોજનાઓની સહાય ચાલુ કરાવવા તથા મુશ્કેલીના સમયમાં પોલીસ વિભાગ દ્વારા તાત્કાલીક મદદ કરવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત હાલ નોંધણી થયેલ કુલ-૩૩૯૦ જેટલા સીનીયર સીટીજનની પોલીસ ટીમ દ્વારા સમયાંતરે રૂબરૂ મુલાકાત તથા અલગથી એક સર્વે કરાવતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના ધ્યાને નિ:સંતાન અને ખુબ જ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા કુલ-૧૦૦ જેટલા વડીલો આવ્યા કે જેમનું આગળ-પાછળ કોઇ જ નથી કે તેમની પાસે આવકનું કોઇ સાધન નથી. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી મદદ ઉપરાંત આ વડીલોની જીવનજરૂરી રાશન તથા અન્ય સામગ્રી મળી રહે તેના માટે પોલીસ વડા હર્ષદ મહેતાના પ્રયાસોથી જિલ્લાના દાતાઓ/સેવાભાવી સંસ્થાઓ પણ માનવસેવાના આ અભિયાનમાં હોંશથી જોડાયા અને કુલ-૭૪ વડીલોની કાયમી જવાબદારી સેવાભાવી સંસ્થાઓ/દાતાઓએ સહર્ષ સ્વીકારી આ વડીલોને દત્તક લેવામાં આવેલ છે.બોટાદ જિલ્લા પોલીસના આ સેવાયજ્ઞની સુવાસ વિદેશની ધરતી સુધી પણ પહોંચી છે. જાળીલાના સેવાભાવી અગ્રણી ભીમજીભાઇ સુતરીયા દ્વારા અગાઉ બરવાળા વિસ્તારના કુલ-૧૫ વડીલોને કાયમી દત્તક લીધેલ જેની જાણ તેમના પુત્ર કે જેઓ હાલ અમેરિકા સ્થાયી થયેલ છે તેવા પ્રવિણભાઇ ભીમજીભાઇ સુતરીયાને પણ થઇ. બોટાદ પોલીસ જિલ્લાના નાગરિકોની સુરક્ષાની સાથોસાથ અને સેવાના આવા વિશિષ્ટ કાર્યો પણ કરે છે તે જોઇ પ્રવિણભાઇ તથા તેમાના અન્ય અમેરીકા સ્થાયી થયેલ મિત્રો પણ ખુબ પ્રભાવિત થયા અને જાણે કે તેમણે પણ વડીલોની સેવા દ્વારા વતનનું ઋણ ચુકવવવું હોય એમ બોટાદ પોલીસના આ અભિયાનમાં જોડાવા સામેથી સંપર્ક કરી નિ:સહાય વડીલોની કાયમી જવાબદારી લેવા ખુબ ઉત્સુકતા દર્શાવી. પ્રવિણભાઇ સુતરીયા ઉપરાંત અમેરીકામાં સ્થાયી થયેલા અને મુળ બોટાદ જિલ્લાના વતની એવા કેતનભાઇ લખાણી, જીવરાજભાઇ જેતાણી, હિરાભાઇ સુતરીયા તથા ડૉ.રાજ પટેલ દ્વારા ગઢડા/ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-૨૧ વડીલોને દત્તક લઇ, આ વડીઓની તમામ જવાબદારી પોતાના માથે સ્વીકારી વતનપ્રેમ અને જનસેવાના નવા ઉદાહરણ પ્રસ્થાપિત કર્યા છે.આ દાતાશ્રીઓ પોતે રૂબરૂ ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી તેમના પ્રતિનિધિ તરીકે ભીમજીભાઇ સુતરીયાને ઉપસ્થિત રખાવી આજરોજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હર્ષદ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં આ વડીલોને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ભીમજીભાઇ સુતરીયા તથા આર.એમ.ચૌહાણ, મહિલા પો.ઇન્સ. દ્વારા અમેરિકા સ્થિત દાતાઓ દ્વારા દત્તક લેવામાં વડીલોને વડીલોને રાશન કીટ, કપડા, ગરમ ધાબળા તથા મેડીકલ સારવાર કાર્ડનું વિતરણ કરવામાં આવેલ. આ તબક્કે પોલીસ વિભાગના આ અભિયાનમાં અમુલ્ય યોગદાન બદલ તમામ દાતાશ્રીઓનો એસ.પી. હર્ષદ મહેતાએ આભાર વ્યક્ત કરેલ અને સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ વતી દાતાશ્રીઓને મોમેન્ટૉ તથા સન્માનપત્ર આપી આભાર વ્યક્ત કરેલ. દાતાઓ દ્વારા આપવામાં આવતી કીટ વડીલોને કોઇપણ મુશ્કેલી વગર તેમના ઘરે મળી રહે તેના માટે જે-તે પોલીસ સ્ટેશન અને જિલ્લા કક્ષાએ સીનીયર સીટીજન સેલ તથા શી-ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા વડીઓના ઘરે રૂબરૂ જઇ કીટ આપવામાં આવે છે તથા તેમની અન્ય સંભાળ પણ લેવામાં આવે છે.બોટાદના કર્મઠ પોલીસ અધિક્ષક અને તેમની સંવેદનશીલ ટીમ દ્વારા કરવામાં આવતી વડીલોની આ નિ:સ્વાર્થ સેવા પોતાની ફરજને પણ કેવી ઉમદા રીતે બજાવી શકાય તેનું જીવંત ઉદારહરણ પુરૂ પાડે છે તો વડીલોની જેવનજરૂરી વત્સુઓની કાયમી જવાબદારી લેનાર દાતાઓ પણ વતનપ્રેમ, માવનસેવા અને પોતાનું સામાજીક ઋણ કેમ અદા કરવું તેના તાદ્રશ પ્રસ્તુતિ કરે છે.વડીલોની સુરક્ષા માટે એક પોલીસ અધિકારીના મનમાં ઉદભવેલ નાનકડો વિચાર આજે ૪૦૦૦ જેટલા વડીલોની નિયમિત સંભાળ અને ૧૦૦ જેટલા વડીલોના સંતાનની જેમ કાયમી ભરણપોષણ સુધી પહોંચ્યો છે. બોટાદ પોલીસ પરીવાર વગર વૃધ્ધાશ્રમે ૧૦૦ જેટલા વડીલોની જરૂરિયાતો પુરી કરી રહ્યો છે એ પણ વડીલોના પોતાના ઘરે. આ અભિયાન ખરા અર્થમાં ખાખી ધારીઓની ઉંડી માનવીય સંવેદના, લાગણી અને ફરજનિષ્ઠાની ચાડી ખાય છે.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ